મહેન્દ્રનગર ચોકડી પાસે નવા બનતા હાઈવે પરની ઘટના: ડામર કામ અને પથ્થરો હટાવવાની મજૂરી લેવાતા બાળકોનું શોષણ થતું હતું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી-કંડલા હાઈવે તરફ જતા નવા બની રહેલા રોડ પર સગીર બાળ-કિશોરોને મજૂર તરીકે રાખીને કામ કરાવતા લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રોડ પર સગીર બાળકો મજૂરી કરતા નજરે પડતાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે દાહોદ જિલ્લાનો રહેવાસી સુરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ (ઉં.વ.31) લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે અને તે જાણતો હોવા છતાં તેણે સગીર વયના બાળ-કિશોરોને કામે લગાડ્યા હતા.
આ સગીર બાળકો પાસેથી ડામર કામ, પથ્થરો હટાવવાનું અને સફાઈ જેવી મજૂરી લેવાતી હતી, જેના કારણે તેમનું શારીરિક તેમજ આર્થિક શોષણ થતું હોવાનું માલુમ પડ્યું હતું.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે લેબર કોન્ટ્રાક્ટર સુરેશ રાઠોડ વિરુદ્ધ બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદા, 1986ની કલમ 3, 7 અને 14(1) તથા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015ની કલમ 79 હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.



