-પુરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે તત્કાલ ઘાસની વ્યવસ્થા કરવા આદેશ: હવાઇ નિરીક્ષણ બાદ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ ,ભાવનગર અને રાજકોટ જિલ્લાના કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લાઓની વરસાદી સ્થિતીનો તાગ પણ મેળવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગસ્ત વિસ્તારોમાં ખેતી પાક અને ઘરવખરીને જ્યાં નુકસાન થયું છે
- Advertisement -
ત્યાં તાત્કાલિક સર્વે કરીને સરકારના ધારા ધોરણ મુજબ વહેલાસર સહાય આપવા માટે માર્ગદર્શન આપ્યું હતું.અતિ ભારે વરસાદની સ્થિતિમાં માલધારીઓનું ઘાસ પલળી ગયું છે અથવા તો પાણીમાં વહી ગયું છે તેવી રજૂઆતોને ધ્યાને લઈને તાત્કાલિક સુકુ ઘાસ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડવા વન વિભાગ અને આ અંગે સંકલન કરતા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. પશુ મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ માલધારીઓને નિયમાનુસાર સહાય ત્વરાએ મળે તેવો સંવેદના પૂર્ણ અભિગમ દાખવી જરૂરી કાર્યવાહી કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર જિલ્લાનાં કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી
કે રોગચાળો ના ફેલાય તે માટે વરસાદ અટકે કે તુરત જ સફાઈ કામગીરી અગ્રતા ક્રમે હાથ ધરવી જરૂરી છે. તેમણે જરૂરીયાત મુજબ આરોગ્યની વધારાની ટીમ અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને પણ આ કામગીરી થાય તેવા દિશાનિર્દેશો આપ્યા હતા.ખેતીવાડીનાં થયેલા નુકસાના અંગે આ બેઠકમાં જણાવ્યું કે, પાણી ઉતરી જાય એટલે ત્વરાએ સર્વે કામગીરી હાથ ધરાવી જોઈએ. સ્થાનિક ધારાસભ્યના સૂચનો ધ્યાને લઈ તેમજ અધિકારીઓની સ્થળ પરની મુલાકાત બાદના અહેવાલો અને સૂચનો પણ ધ્યાને લઈને ઘેડમાં દર વર્ષે ભરાતા પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો.આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, ગીર સોમનાથના કલેક્ટર વઢવાણીયા, ભાવનગરના કલેક્ટર આર.કે.મહેતા, રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી એ ભારે વરસાદમાં તેમના જિલ્લાઓનાં જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક રાહત બચાવની કામગીરી ની માહિતી આપી હતી. અધિક મુખ્ય સચિવ મહેસુલ એમ.કે.દાસ, પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ, રાહત કમિશનર આલોકકુમાર, સીસીએફ આરાધના શાહુ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા અને કિરીટભાઈ પટેલ, અગ્રણી દિનેશભાઈ ખટારીયા, ગીરીશભાઈ કોટેચા, પુનિત શર્મા વગેરે આ બેઠકમાં જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
- Advertisement -
જૂનાગઢ ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી.
જૂનાગઢ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના કલેકટરશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને આ જિલ્લાઓની વરસાદી સ્થિતિની… pic.twitter.com/MIg2cDrpp0
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 21, 2023
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું અને સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. આ મિટિંગમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ મુખ્યમંત્રીને જિલ્લાની પરિસ્થિતિથી અવગત કરતા જણાવ્યુ હતું કે, જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે 148 ગામ વધુ અસરગ્રસ્ત થયા હતાં. જિલ્લાના હિરણ-1 અને હિરણ-2 ડેમની સૌથી વધુ અસર જોવા મળી હતી જેના કારણે નદી કિનારે વસેલા ગામોમાં વધુ મુશ્કેલી સર્જાઈ હતી. વહીવટી તંત્ર તેમજ સોમનાથ ટ્રસ્ટ અને એનજીઓના સહયોગથી સોનારિયા, ભેરાળા, સવની અને વેરાવળ શહેરમાં 2500થી વધુ ફૂડપેકેટ વિતરણ કરાયું છે
તેમજ સોનારિયામાં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી 500થી 600 વ્યક્તિઓ ભોજન લઈ શકે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની બે ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં જિલ્લામાં હાલ ઘરવખરી, કાચા મકાન, પશુમૃત્યુ વગેરેની સર્વે કામગીરી ચાલુ છે અને જિલ્લાની સ્થાનિક સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ તેમજ સ્થાનિક આગેવાનોના સંકલનથી જનજીવન સંપૂર્ણપણે પૂર્વવત્ થાય એવો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે નાના વેપારીઓને થયેલા નુકસાન અંગે, માછીમારોને થયેલા નુકસાન તેમજ માલધારીઓના પશુધનને સૂકા ઘાસ માટેની યોગ્ય વ્યવસ્થા
અને હિરણ તેમજ દેવકા નદીને ઊંડી ઉતારવા જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી. આ મિટિંગમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા સહિત અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, વિક્રમભાઈ પટાટ, બચુભાઈ વાજા તેમજ ખેતીવાડી, પશુપાલન, નગરપાલિકા સહિત વિવિધ વિભાગના અધિકારીઓની પણ ઉપસ્થિતી રહી હતી.