4000 કિલોના ઘંટનું ડિજિટલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના ધર્મસ્થાન ખાતે આયોજીત નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રીબાઈ માતાજી પ્રજાપતિ સમાજના આરાધ્ય માતાજી છે. પ્રજાપતિ સમાજ સરળ અને મહેનતુ છે. એ ભલો અને કામ ભલુંનો મંત્ર અપનાવીને આ સમાજ સ્વમહેનતે આગળ આવ્યો છે. દરેક ધાર્મિક સ્થળો માટે રાજ્ય સરકાર જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. તેમ જણાવી તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલા 22 તારીખે જ હિંદુધર્મના આસ્થાના પ્રતિક એવા અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની સ્થાપના થઈ હતી અને આજે બરાબર એક મહિના બાદ 22 તારીખના રોજ શ્રીબાઈ માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે.આપણા વારસા અને વિરાસત પર ગૌરવ થાય તે રીતે વિકાસ કરીને અન્યોને પણ ગુજરાતે રાહ ચીંધ્યો છે. શ્રીબાઈ માતાજી ધર્મસ્થાનના રૂ.16 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતો આપી મંદિર ખાતે સ્થાપિત 4000 કિ.ગ્રાના ઘંટનું મુખ્યમંત્રીશ્રીએ સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું.
શ્રીબાઈ ધામના ટ્રસ્ટી મુકેશભાઈ દેવળિયાએ મુખ્યમંત્રીશ્રી તેમનો અમૂલ્ય સમય ફાળવીને શ્રીબાઈ ધામ ખાતે પધાર્યા તે માટે પ્રજાપતિ સમાજવતી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ રાજ્યસભા સાંસદ સર્વ દિનેશભાઈ અનાવડિયા, ચુનીભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર સહિત અધિકારીશ્રીઓ, સ્થાનિક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં શ્રીબાઈ માતાજીના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યાં હતા.