અસામાજીક તત્વોમાં ‘પોલીસ’નો ડર પેદા કરો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે.
ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે. મુખ્યમંત્રીએ જુલાઈ-25ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવા સૂચનાઓ આપી હતી. જુલાઈ-25ના રાજ્ય સ્વાગતમાં કુલ 108 રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી 97 જેટલી રજૂઆતો સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી 11 રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝીટીવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સુચનાઓ આપી હતી.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડો. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.