જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ અતિ ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્રએ કરેલી કામગીરી અંગે મુખ્યમંત્રીને અવગત કર્યાં
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કોન્ફરન્સથી પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા અતિ ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્રએ કરેલી કામગીરી અંગે મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. હવે પછી વરસાદ થયે નવા પાણીનો નિકાલ કેવી રીતે કરવો તેની યોજના બનાવવા અને ચોમાસામાં કોઈને તકલીફ ન પડે તેવી રીતે આયોજન કરવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, અતિ ભારે પડેલ વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના સંકલનમાં રહી અસરગ્રસ્ત લોકોને આશ્રય આપવાની સાથે તેમના આરોગ્ય ભોજનની વ્યવસ્થા કરવા અને શહેરમાં ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અતિ ભારે વરસાદને લઈને જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી સાથે ટેલિફોનિક સંપર્કમાં રહી પોરબંદરમાં થઈ રહેલ વરસાદની સ્થિતિમાં તમામ કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરૂવારના દિવસે વીડિયો કોન્ફરન્સ યોજી રાજ્યમાં જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણી દ્વારા જિલ્લામાં પડેલ અતિભારે વરસાદ દરમિયાન અસરગ્રસ્તોને શેલ્ટર હાઉસમાં આશ્રય આપવા તેમને સાત્વિક ભોજન પૂરું પાડવા તેમના આરોગ્ય અને પાણી નિકાલ માટેની થયેલ વ્યવસ્થાઓ અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. અને રાજાશાહી વખત સાંઢીયા ગટરની કામગીરી થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અતિભારે વરસાદને લઈને વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજી સમીક્ષા કરવામાં આવી હતી, અને તેઓએ જ્યાં આગાહી છે ત્યાં નિચાણ વાળા વિસ્તાર માંથી લોકોને આશ્રય સ્થાનોએ પહોંચાડી તેમને ભોજન, આરોગ્યની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સાથે સરકાર છે તેવું જણાવવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારની જરૂરિયાત રાજ્ય સરકાર તરફથી હોય તો તેમાં તમામ પ્રકારની મદદ કરવા ખાતરી આપી હતી.
વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠકકર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાયજાદા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.