અમદાવાદમાં અન્ય 10 સહિત રાજ્યભરમાં શ્રમિક સુવિધા કેન્દ્રો બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શ્રમેવ જયતે મંત્રને ચરિતાર્થ કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે
આપી છે.
કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં કુલ 11 સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા, વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
માત્ર એટલું જ નહીં, લેબર કોન્ટ્રાક્ટર્સ અહીં આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી – મળી શકે છે, સાથે-સાથે શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે. કડિયાનાકે જાહેર માર્ગ પર ઉભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે.
મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું 99મું અને રાજ્યનું 291મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું. રાજ્યભરમાં હજુ વધુ 99 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. શ્રમિકોને રાહત દરે ભોજન, ચા, અને હવે રિફ્રેશમેન્ટ, આરામ કરવા અને એકઠા થવા માટેનું સુવિધાજનક સ્થળ મળતા રાજ્યમાં શ્રમને સન્માન આપવાની પરિપાટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વધુ સુદ્રઢ થઈ છે. અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન, વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસકર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.