અમેરિકાના વિદેશ મંત્રીએ કર્યું હતું દબાણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે મોટો ખુલાસો કરતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે ખુલાસો કર્યો કે, તત્કાલિન યુપીએ સરકારે 2008ના આતંકી હુમલા બાદ ભારે આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયના દબાણના કારણે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું હતું કે, મારા મનમાં બદલાનો વિચાર આવ્યો હતો. પરંતુ સરકારે સૈન્ય કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો.
ચિદમ્બરે સ્વીકાર્યું કે, તે સમયે કોંડોલીઝા રાઈસ અમેરિકાના વિદેશ મંત્રી હતાં. મેં કાર્યભાર સંભાળ્યાના બે-ત્રણ દિવસ બાદ મને અને વડાપ્રધાનને મળવા આવી હતી. અને કહ્યું કે, કૃપયા પ્રતિક્રિયા ન આપશો. મેં કહ્યું કે, આ એક એવો નિર્ણય છે, જે સરકાર લેશે. કોઈ પણ સત્તાવાર ગુપ્ત વાતો કહ્યાં વિના જ મારા મનમાં તે સમયે વિચાર આવ્યો હતો કે, અમારે બદલો લેવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ચિદમ્બરે કહ્યું કે, અમે વડાપ્રધાન અને અન્ય મહત્ત્વના લોકો સાથે સંભવિત જવાબી કાર્યવાહી પર ચર્ચા કરી હતી.
આગળ જણાવ્યું કે, જ્યારે હુમલો થયો હતો, ત્યારે વડાપ્રધાને આ મામલે ચર્ચા કરી હતી અને નિષ્કર્ષ કર્યું હતું કે, અનેક દેશોના વિદેશ મંત્રાલય અને આઈએફએસ તેનાથી પ્રભાવિત હોવાથી આપણે આ પરિસ્થિતિ પર શારીરિક પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં.
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 10 પાકિસ્તાની આતંકવાદીઓના એક ગ્રૂપે 26 નવેમ્બર, 2008ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન, ઓબેરોય ટ્રાઈડેન્ટ, તાજ મહલ પેલેસ એન્ડ ટાવર હોટલ, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ પર હુમલા થયા હતાં. મુંબઈ પોલીસે આ 10 આતંકવાદીઓમાંથી એક અજમલ કસાબની ધરપકડ કરી હતી. જેને 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.