દિવ્યાંગોને ભોજન અને સિવિલ હોસ્પીટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટકીટનું વિતરણ : ભૂપતભાઈ બોદર
આજરોજ ગુજરાતના કદાવર ખેડૂત નેતા “છોટે સરદાર” અને માજી સાંસદ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા અનોખી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ભૂપતભાઈ બોદર સંચાલિત દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હીના ફાઉન્ડેશન, રાજકોટના દિવ્યાંગોને બપોરનું ભાવતું ભોજન કરાવવામાં આવ્યું અને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટકીટનું વિતરણ કરવામાં આવ્યું.
રાજકારણમાં ‘સાવજ’ નું ઉપનામ મેળવનારા વિઠ્ઠલભાઈએ માત્ર રાજકીય ક્ષેત્રે જ નહિ સામાજીક, શૈક્ષણિક, સહકારી સહિતના અનેક ક્ષેત્રોમાં અમુલ્ય યોગદાન આપ્યું છે. કૉલેજ પછી સમાજસેવામાં જોડાયેલા વિઠ્ઠલભાઈની છબી શરૂઆતથી જ આક્રમક નેતાની હતી. કૉલેજમાં પણ કોઈને અન્યાય થાય તો તેમની સામે લડત આપતા હતા. તમામ સમાજને સાથે લઈ ચાલનારા, ગરીબોના બેલી, હજારો દીકરીઓને કન્યાદાન આપી સાસરે વળાવનાર પિતાતુલ્ય કાર્ય કરનાર વિઠ્ઠલભાઈએ ૧૯૮૭ માં ગુજરાતમાં દુકાળની સ્થિતિ હતી ત્યારે ખેડૂતોના તમામ પ્રકારના સવાલો લઈને લડત શરુ કરી હતી અને ખેડૂતોને ન્યાય આપવેલ હતો. રાદડિયાએ ધોરાજીથી સતત પાંચ વિધાનસભાની ચૂંટણી અને પોરબંદરથી સતત બે સંસદીય ચૂંટણી જીતી છે. તેઓ ઇકો કંપનીમાં ડિરેક્ટર અને રાજકોટ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્કના ચેરમેન રહી ચુક્યા છે. તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને સતત કાર્યશીલ હતા અને સહકારી ક્ષેત્રમાં પોતાની આગવી સુઝબુઝ સાથે ક્રાંતિ લાવી હતી. માત્ર સૌરાષ્ટ્ર નહિ સમગ્ર ગુજરાતમાં એક નેતા તરીકે કરેલા સેવાકાર્યોએ સમાજમાં તેમને એક અદના આદમી તરીકે સ્થાન મળ્યું છે. તેમના સ્વર્ગવાસ થયાને તો 2 વર્ષ વીત્યા પરંતુ આજે પણ વિઠ્ઠલભાઈ દરેક ખેડૂતના દિલમાં વસે છે અને આ સ્થાન હમેશા અકબંધ રહેશે.
- Advertisement -
સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇના સેવાકાર્યોની સુવાસ આજે પણ દરેકના દિલોમાં પ્રવજવલ્લીત છે અને આજરોજ આવા એક વીરલ અને જાજરમાન વ્યક્તિત્વના માલિકની દ્રિતીય પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલિ સ્વરૂપે તેમણે કરેલા સેવાકાર્યોને યાદ કરીને તેમના આત્માની શાંતિ માટે પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમોમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સાથે જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રંગાણી, રાજેશભાઈ ચાવડા, કેયુરભાઈ ઢોલરીયા, નીલેશભાઈ ખુંટ, રસિકભાઈ ખુંટ, સી. ટી. પટેલ, મહેશભાઈ આસોદરિયા, મહેશભાઈ આટકોટીયા વગેરે સેવા કાર્યોમાં જોડાયેલ હતા.