રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી, યાદગાર પળો શેર કરી – ક્રિકેટ સાથે કાયમ જોડાયેલા રહેવાની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, યુવા ક્રિકેટરોને વધુ તક મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુજારાએ જણાવ્યું કે, ભારતીય ટીમ માટે લાંબા સમય સુધી રમવાનો મોકો મળ્યો તે તેમના માટે ગૌરવની વાત છે.
- Advertisement -
તેમણે પોતાની કારકિર્દીની યાદગાર પળો યાદ કરતાં જણાવ્યું કે, 2018 અને 2021માં ઓસ્ટ્રેલિયા સામે ભારતે હાંસલ કરેલી સિરીઝ વિજય તેમની કારકિર્દીની સૌથી યાદગાર પળો રહી હતી. પુજારાએ દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર સાથે રમવાનું પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું.
પુજારાએ ઉમેર્યું કે, ભલે તેઓ ક્રિકેટ રમવાનું બંધ કરી રહ્યા છે પરંતુ, ક્રિકેટ સાથે તેમનો સંબંધ કાયમ રહેશે. યુવા ક્રિકેટરોને ગાઇડન્સ આપવાનું અને સૌરાષ્ટ્રના ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે. તેમની પોતાની એકેડેમીમાં પણ યુવા ખેલાડીઓને ટ્રેનિંગ આપવાનું કાર્ય આગળ વધારશે.
નિવૃત્તિ અંગે બોલતા તેમણે જણાવ્યું કે, આ નિર્ણય એક અઠવાડિયાથી વિચારીને લીધો છે અને પરિવારજનો તથા દિગ્ગજ ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય જાહેર કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, પહેલાં મેટ્રોસિટીમાંથી આવતા યુવાનોને જ ઓપોર્ચ્યુનિટી મળતી હતી પરંતુ, હવે નાના ગામમાંથી આવતા ખેલાડીઓને પણ તક મળે છે, જે એક સકારાત્મક બદલાવ છે.
- Advertisement -
પુજારાના કરિયરનાં મુખ્ય હાઇલાઇટ્સ :
વર્ષ 2010થી 2023 સુધી ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા.
ઓસ્ટ્રેલિયા સામેની 2018 અને 2021ની સિરીઝમાં વિજયને સૌથી યાદગાર ગણાવ્યા.
ટેસ્ટ ક્રિકેટમાં ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડ પછી સ્થિરતા આપનાર ખેલાડી તરીકે માનવામાં આવ્યા.
ડોમેસ્ટિક અને કાઉન્ટી ક્રિકેટમાં યોગદાન આપતા રહ્યા.
પોતાની ક્રિકેટ એકેડેમી મારફતે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે.
પુજારાની કારકિર્દી એક નજરે :
ડેબ્યૂ : 2010, ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુ ટેસ્ટ
આખરી મેચ : જૂન 2023
ટેસ્ટ રન : 103 મેચમાં 7,195 (સરેરાશ 43.60)
સદી/અડધી સદી : 19 / 35
શ્રેષ્ઠ સ્કોર : 206*
વનડે : 5 મેચ, 51 રન
T20I : એકપણ મેચ નહીં
ચેતેશ્ર્વર પૂજારાએ ચાહકોનો આભાર માન્યો
ચેતેશ્વર પૂજારાએ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત સમયે તેના ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, ’આ એક પ્રકરણનો હવે અંત આવ્યો છે. હું તેને ખૂબ જ આભારી છું. તમામ સૌના પ્રેમ અને સમર્થન બદલ આભાર.’ દાયકાથી પણ વધુ સમય માટે ભારતીય ટેસ્ટ ટીમનો આધારસ્તંભ બનેલો પૂજારા પોતાના શાંત અને અડગ પર્ફોર્મન્સના કારણે તેની પેઢીનો એક વિશ્વસનીય બેટર રહ્યો છે. 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ સીરીઝને જીત અપાવવામાં પૂજારાનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. તે સીરીઝમાં તેણે 521 રન બનાવ્યા હતાં. કુલ 1258 બોલમાંથી મોટાભાગના બોલ તેણે ડિસ્પેન્ડ કરવાને બદલે ડિફ્યુઝ કર્યા હતાં અને ત્રણ સદી ફટકારી હતી.
15 વર્ષની કારકિર્દીનો અંત – ટેસ્ટમાં 7 હજારથી વધુ રન બનાવ્યા, એક પણ T20 નહીં રમ્યા
ટીમ ઈન્ડિયાના ધ વોલ તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાએ રવિવારે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. પુજારાએ જૂન 2023માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.પુજારાની ઈન્ટરનેશનલ કારકિર્દી 15 વર્ષ સુધી ચાલી હતી. 2010માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે થયેલી ટેસ્ટ મેચથી તેણે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ભારતીય ક્રિકેટમાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી હતી.ટેસ્ટ ક્રિકેટમાં પુજારાએ 103 મેચની 176 ઇનિંગ્સમાં 7,195 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 43.60 રહી હતી. પુજારાએ કુલ 19 સદી અને 35 અડધી સદી ફટકારી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 206 નોટઆઉટ રહ્યો હતો. વનડે ક્રિકેટમાં તેણે માત્ર 5 મેચો રમી અને કુલ 51 રન બનાવ્યા. જોકે, તે ભારત માટે એકપણ ઝ20 ઈન્ટરનેશનલ મેચ રમ્યા વગર નિવૃત્ત થયા છે.


