સોશ્યલ મીડિયા પર અવનવા વિડિયો અપલોડ થતા હોય છે, જેમાંના ઘણા ફૂડ આઇટમ્સના પણ હોય છે, જેમાં અવનવી રીતે ફૂડ તૈયાર કરવા માટેના અખતરા કરવામાં આવે છે, તો વળી ઘણી વાર ખરેખર કોઈ સારી વાનગીનો વિડિયો અપલોડ કરાય છે. જોકે આ બધામાં અલગ તરી આવે છે શેફ અમોરી ગુઇચોનના વિડિયો. તેમના લગભગ દરેક વિડિયોમાં તેઓ ચૉકલેટમાંથી કોઈ પ્રાણી કે બીજાં અવનવાં શિલ્પ તૈયાર કરતા હોય છે. તેમના વિડિયોને અસંખ્ય લાઇક્સ, કમેન્ટ્સ અને રીટ્વીટ મળે જ છે.
આ વખતે તેમણે ચૉકલેટમાંથી જાયન્ટ શાર્ક બનાવી છે. આ વિડિયો અમોરી ગુઇચોનના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરાયો છે. ઇન્સ્ટાગ્રામની પોસ્ટ મુજબ 100 ટકા ચૉકલેટની બનેલી આ શાર્ક 7.5 ફુટ લાંબી અને 150 પાઉન્ડ (લગભગ 68 કિલો) વજનની છે, જે તેમનું અત્યાર સુધીનું સૌથી મોટું શિલ્પ છે. વાઇરલ થયેલા વિડિયોમાં ચૉકલેટની શાર્ક બનાવવાની આખી પ્રક્રિયા દર્શાવાઈ છે. અંતે શાર્કની પીઠ પર ચૉકલેટમાંથી તૈયાર કરેલી બે નાની માછલી પણ મુકાઈ છે.
- Advertisement -
અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયોને 1.02 કરોડ વ્યુઝ અને 9 લાખ કરતાં વધુ લાઇક્સ મળ્યાં છે. શેફ અમોરીનાં શિલ્પો 100 ટકા ચૉકલેટનાં અને ખાઈ શકાય એવાં છે, જે શૈક્ષણિક હેતુઓ માટે લાસ વેગસમાં તેમની ઍકૅડેમીમાં લાંબા ગાળાના કાર્યક્રમો દરમ્યાન તૈયાર કરવામાં આવે છે તથા તેમના વિદ્યાર્થીઓ નિરીક્ષણ કરી શકે એ હેતુથી ઍકૅડેમીમાં કાયમી ધોરણે પ્રદર્શિત થાય છે.