શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ચેતવણીનો સંદેશ OTPની સાથે જ આવી જશે
ખાસ-ખબર ન્યૂઝ નવીદિલ્હી
- Advertisement -
ઑનલાઇન લેવડદેવડ દરમિયાન સાઇબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી ઓટીપી હાંસલ કરીને ઠગાઇ કરવાના કિસ્સાઓ પર હવે રોક લાગશે. ટેલિકોમ વિભાગે ગૃહ મંત્રાલયના સહયોગથી તેનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેના મારફતે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ચેતવણીનો સંદેશ ઓટીપી મળવાની સાથે જ મોબાઇલ પર આવી જશે. ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઓટીપી જ્યાંથી જનરેટ થશે અને જે મોબાઇલ નંબર પર મોકલાશે
તે ખુદ સિમથી સિંક્રોનાઇઝ થઇ જશે. સિમના અધિકૃત એડ્રેસ (જે નંબરથી ઓટીપી માંગવામાં આવ્યો છે) અને જિયો લોકેશન મારફતે સિસ્ટમને એ જાણ થઇ જશે કે ઓટીપી ક્યાંથી મંગાવાયો છે. જિયો લોકેશન અને રજિસ્ટર્ડ એડ્રેસ અલગ હોવાની જાણ થતા જ ઓટીપી મળવાની સાથે જ ફોન પર એક પોપ અપ મેસેજ એલર્ટ તરીકે આવી જશે. ગૃહ મંત્રાલયના સાઇબર સુરક્ષા વિભાગના એક અધિકારી અનુસાર, જો પોપ અપ મેસેજ આવે છે તો ગ્રાહકોએ ઓટીપી દાખલ ન કરવો જોઇએ. ભૂલથી પણ દાખલ કરાયો હશે તો સિસ્ટમ તેને બ્લોક કરી દેશે. એટલે ટ્રાન્ઝેક્શન નહીં થાય. ત્યારબાદ જો ગ્રાહક સુનિશ્ચિત કરશે કે જે નંબરથી ઓટીપી મોકલાયો છે તે તેને સ્વીકાર કરે છે તો હોલ્ડ થયેલું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઇ જશે.



