એડવાન્સ પૈસા ભર્યા હોવા છતાં માલ સમયસર પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ
1 થી 7 તારીખ સુધીમાં માલ આપી દેવાના દાવા પોકળ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગરીબ અને મધ્યમ વર્ગને રેશનીંગની દુકાનેથી સમયસર માલ મળી રહે તે માટે ડોર સ્ટેપ ડિલવરીની સિસ્ટમ પુરાવઠા તંત્રએ શરુ કરી છે પરંતુ આમ છતાં દુકાનદારોને સમયસર માલનો જથ્થો મળતો નથી. મે – એપ્રિલ મહિનાનાં પૈસા એડવાન્સમાં ભર્યા હોવા છતાં આ મહિનાનો 60 ટકા માલનો જથ્થો મળ્યો ન હોય ગ્રાહકોને હવે એક સપ્તાહમાં કેવી રીતે વિતરણ કરવુ તેમ જ તૂવેર દાળ નબળી ગુણવતાવાળી મળી રહી હોવા અંગે જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં આશરે 225 જેટલી રેશનીંગની દુકાનો છે. રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ એસોસિએશને આવેદનપત્ર આપી એવી રજુઆત કરી હતી કે શહેર – જિલ્લામાં મે મહિનામાં હજુ 60 ટકા માલનો જથ્થો મળ્યો નથી પરિણામે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઝગડાઓ થાય છે. માલનો જથ્થો કઈ તારીખે અપાશે તે નકકી જ નથી. ડોર સ્ટેપ ડિલવરીમાં દુકાનદારોનાં કમિશનમાંથી મજૂરી ચૂકવવામાં આવે છે. માલમાં પણ ઘટ આવે છે બારદાન ફાટેલા આવી રહયા છે આ અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.
તૂવેરદાળનો જથ્થો ખરાબ મળી રહયો છે આ અંગે અનેક વાર પુરવઠા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. એજન્સી ગોડાઉનમાંથી ખરાબ દાળ મોકલતી હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને દુકાનદારોને પરેશાન કરવામાં આવે છે. નબળી ગુણવતાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહયા છે.જે દુકાનદાર પાસે દાળનો નબળો માલ હોય તે ગોડાઉનમાં જમા લઈ નવો સારી ગુણવતાનો માલ આપવા માગણી કરવામાં આવી છે. ગોડાઉનમાં દાળ અને ઘઉંનાં જથ્થાની ગુણવતા ચકાસણી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.