જંગલમાંથી વહેતી નદીમાં સ્નાન કરે છે, ઘાસનો ઉપયોગ કરીને ટોકરી બનાવે છે અને ગામની દુકાન પર વેચી દે છે
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ કન્નડ જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે અદતલે અને નેક્કરે ગામ પાસે આવેલ જંગલમાં 56 વર્ષીય ચંદ્રશેખરનું ઘર છે. ચંદ્રશેખર પોતાનું ઘર છોડીને જંગલમાં રહે છે. ચંદ્રશેખરના ઘર સુધી પહોંચવું થોડું અઘરું છે. જંગલની અંદર 3-4 કિમી સુધી ચાલવું પડે છે. થોડાક સમય બાદ વાંસ સાથે બાંધેલ એક નાની પ્લાસ્ટિકની સીટ જોવા મળે છે. એક જૂની એમ્બેસેડર કાર છે, જેના બોનટ પર એક ખૂબ જ જૂનો રેડિયો લગાવવામાં આવેલ છે. જે હજુ સુધી ચાલે છે. આ વ્યક્તિ ખૂબ જ દુબળો થઈ ગયો છે અને તેના થોડા વાળ પણ જતા રહૃાા છે. તેમણે દાઢી કરાવી નથી અને શરીર પર માત્ર કપડાના બે ટુકડા છે. તેમણે રબરના ચપ્પલની એક જોડી પહેરી છે. ચંદ્રશેખર જંગલ અનુસાર જીવન નિર્વાહ કરતા શીખી ગયા છે. ચંદ્રશેખરની પાસે કેમરાજે ગામમાં 1.5 એકરની જમીન હતી. ત્યાં તેઓ સોપારીનું ઉત્પાદન કરતા હતા અને શાંતિપૂર્ણ જીવન પસાર કરતા હતા. વર્ષ 2003માં તેમણે સહકારી બેંક પાસેથી રૂ.40,000ની લોન લીધી હતી. પરંતુ પ્રયત્ન કરવા છતાં, તેઓ આ લોન ચૂકવી શક્યા ન હતા.
આ કારણોસર બેંકે તેમના ખેતરની હરાજી કરી દીધી. બાદમાં તેમણે એકલા રહેવાનો નિર્ણય લીધો હતો. તેઓ દૂર જંગલમાં એકલા રહેવા જતા રહૃાા અને ત્યાં તેઓ કારમાં રહેવા લાગ્યા હતા. કારને વરસાદ અને તડકાથી બચાવવા માટે તેના ઉપર એક પ્લાસ્ટિકની સીટ લગાવી દીધી હતી. ચંદ્રશેખર 17 વર્ષથી એકાંત જીવન જીવી રહૃાા છે. તેઓ જંગલમાંથી વહેતી નદીમાં સ્નાન કરે છે. તેઓ ઘાસનો ઉપયોગ કરીને ટોકરી બનાવે છે અને અદતલે ગામની દુકાન પર વેચી દે છે. તેના બદલામાં તેઓ ચોખા, ખાંડ અને અન્ય કરિયાણાનો સામાન લે છે. તેમને પોતાની એકમાત્ર જમીન પરત મેળવવાની ઈચ્છા છે. આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે તમામ દસ્તાવેજ પોતાની પાસે હજુ સુધી સાચવીને રાખ્યા છે.
- Advertisement -
કારનું ઈન્ટીરિયર તેમની દુનિયા છે અને તેઓ પોતાની આ દુનિયાથી સંતુષ્ટ છે. તેમની પાસે એક જૂની સાયકલ છે. આ સાયકલનો તેઓ નજીકના ગામમાં જવા માટે ઉપયોગ કરે છે. તેઓ આકાશવાણી પર મેંગલુરુ સ્ટેશનને સાંભળે છે અને તેમને હિંદી મેલોડી ગીત પસંદ છે.