ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં પીએચડી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 525 જેટલા ઉતિર્ણ વિદ્યાર્થીઓ માટે રિસર્ચ એડવાઈઝરી કમિટીની બેઠકનો દોર ચાલી રહ્યો છે. આજે બીજા દિવસે વિવિધ વિષયોના શોધકર્તા છાત્રોની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે યુવાનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
પ્રો. ચૌહાણે જણાવ્યું હતું કે, દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રમાણિકતા રહેલી હોય છે. તેમણે મનુષ્યને મળેલી ભલાઈ અને બુરાઈ વચ્ચે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા અને આત્મશુદ્ધિ તરફ પ્રયાણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે પરોપકાર, ભલાઈ અને સદ્વિચાર એ મનની દ્વિધાને હરનાર સંજીવની છે. કુલપતિએ ભગવદ્ ગીતાને અનુપમ જીવનગ્રંથ ગણાવી, તેને પલાયનવાદથી પુરુષાર્થ તરફ પ્રેરિત કરનારી ગણાવી હતી. તેમણે સ્વામી વિવેકાનંદના સંદેશને ટાંકતા કહ્યું હતું કે, “વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ માની લીધું છે કે આપણે નિર્બળ, અપવિત્ર, અસફળ છીએ. તેમણે સંશોધકોને મસ્તિષ્કને ઉન્નત વિચારોથી અને સર્વોચ્ચ આદર્શોથી ભરી દેવા આહવાન કર્યું હતું, જેથી તેમાંથી મહાન કાર્યોનો જન્મ થાય. અંતે, તેમણે પીએચડીમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.



