ચેમ્પિયન્સ ટ્રોફીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ સામેલ છે. આ 8 ટીમ 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. જ્યારે, ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોનો સમાવેશ થાય છે. બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં એક વખત પોતાના ગ્રુપની ટીમો સામે રમશે અને ત્યારબાદ બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
આ દરમિયાન એક પછી એક વિવાદ વેગ પકડતા જ જાય છે. હજુ ભારતના રાષ્ટ્રધ્વજને સ્ટેડિયમમાં સ્થાન નથી તે વિવાદ શમ્યો નથી ત્યાં નવો વિવાદ ભારતના ખેલાડીઓની જર્સી પર પાકિસ્તાન પ્રિન્ટ થયેલું તે છે. ચેમ્પિયન્સ ટ્રોફી આઈસીસીની ટુર્નામેન્ટ મનાય છે. આઈસીસી એ આજે ભાગ લેતી આઠેય ટીમના ખેલાડીઓને જર્સી જે તે ટીમના કલર છે તે સાથેની આપી હતી.
- Advertisement -
ભારતના ખેલાડીઓએ જર્સી પહેરીને ગૌરવભેર પોઝ પણ આપ્યા જે સોશિયલ મીડિયા પર ચાહકોએ જોયા અને તેઓએ તરત જ નિરીક્ષણ કર્યું કે જર્સી પર જમણી બાજુ અંગ્રેજીમાં ચેમ્પિયન્સ શબ્દની નીચે નાના અક્ષરોમાં ટ્રોફી 2025 પાકિસ્તાન તેમ લખ્યું છે. આ સાથે જ ભારતના ખેલાડીઓ પોઝ આપતા હતા તે તસવીર વાઇરલ બની જેમાં ચાહકોએ નારાજગી અને રોષ સાથે પ્રતિક્રિયા આપી હતી કે, ‘ભારતના ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન’ પ્રિન્ટ થયેલ જર્સી સાથે રમશે.’
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી સાઇકિયાએ વિવાદ વાયુવેગે પ્રસર્યો પછી બચાવ કરતા એવું નિવેદન જારી કર્યું કે, આઇસીસીના નેજા હેઠળની આ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે. જેમાં જર્સી પર યજમાનનું નામ હોય જ. પાકિસ્તાન પણ ભારત યજમાન હોય ત્યારે ઇન્ડિયા પ્રિન્ટ થયેલ જર્સી પહેરતી જ હોય છે.
જો કે ચાહકોને આ બચાવથી સંતોષ નહોતો થયો. તેઓએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી કે, ભારત તો પાકિસ્તાનમાં રમતું નથી તે જ મેચો દુબઈમાં રમવાનું છે. કેટલાક ચાહકોએ એમ પણ દલીલ કરી કે અગાઉ પાકિસ્તાનમાં એશિયા કપ હતો જે પાકિસ્તાનમાં યોજાયો હતો ત્યારે જર્સી પર પાકિસ્તાન પ્રિન્ટ નહોતું થયું.