શહેરના 41 ખાદ્ય ધંધાર્થીઓની ચકાસણી, 23 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ: 15 ધંધાર્થીઓને લાઇસન્સ લેવા નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે ઋજઠ વાન સાથે શહેરના અટલ સરોવર ફૂડ કોર્ટ, આજીડેમ ચોકડી, રામકૃષ્ણ આશ્રમ સામે, પ્રદ્યુમન પાર્ક અને ગાંધી મ્યુઝિયમ સહિતના વિસ્તારોમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 41 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમિયાન ફૂડ વિભાગે 15 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ મેળવવા બાબતે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. અટલ સરોવર ફૂડ કોર્ટ ખાતે આવેલ ’ફિરંગી બર્ગર/શાશ્વત ફૂડસ’માં ચકાસણી દરમિયાન પેકિંગ પર ઉત્પાદક કે લેબલિંગ વગરના કુલ 18 કિગ્રા પડતર ફ્રોઝન મોમોઝ મળી આવ્યા હતા, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ’કાઠિયાવાડી કસૂબો/કે.કે. એન્ટરપ્રાઇઝ’ માંથી વાસી એક્સપાયરી થયેલ બ્રેડ અને ફ્રોઝન સાબુદાણા વડા મળી કુલ 5 કિગ્રા અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેનો નાશ કરાયો હતો. આમ, ફૂડ વિભાગે કુલ 23 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. આજીડેમ ચોકડી પાસે આવેલ રાજકોટ અમેરિકન મકાઇ, ચામુંડા કોલ્ડ્રિંક્સ, ભેરુનાથ પાણિપુરી, ગાયત્રી કોલ્ડ્રિંક્સ, રાજકોટ કોલ્ડ્રિંક્સ, ચામુંડા સોડા સેન્ટર, શિવશક્તિ સોડા સેન્ટર, શિવ પાણીપૂરી, કરણ પાણિપુરી, સાલોની પાણીપુરી અને રામ અમેરિકન મકાઇ સહિત 12 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ડ્રાઇવ અંતર્ગત વેગા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને વિજય સિંગ સેન્ટર જેવી ઉત્પાદક પેઢીઓમાંથી ધનુષ અને વિજય સિંગ બ્રાન્ડના રોસ્ટેડ ચણા (મસાલા અને સાદા)ના કુલ 04 નમૂના લેવામાં આવ્યા હતા, જે પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.



