તાલાલા બ્રહ્મેશ્વર મંદિરમાં ચાલતી રાત્રી કથાનો ધર્મલાભ લેવા ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો
ગંગા, ગાય, ગાયત્રી, ગીતા, ગોપી પાંચ ગૌકારનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ હોય રક્ષણ કરવા ભાવિકોને અનુરોધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલાનાં સુપ્રસિદ્ધ ઉદાસીન આશ્રમના પાવન પરીસરમાં બિરાજમાન બ્રહ્મેશ્વર મંદિર-મોટા હનુમાન નાં બ્રહ્મલીન મહંત પૂ.પા.સોભરનદાસ બાપુની નવમી પૂણ્યતિથિ નિમિત્તે ચાલતી રાત્રી શ્રી દેવી ભાગવત સપ્તાહનો મોડી રાત્રી સુધી અગણિત ભાવિકો કથાનું રસપાન કરી ધર્મલાભ લઈ રહ્યા છે.
કથાની વ્યાસપીઠ ઉપરથી કથાકાર ડો.નરેન્દ્રભાઈ પંડ્યા,તાલાલાનાં શ્રી કમલેશભાઈ જોષી સંગીતમય શૈલીમાં શ્રી દેવી ભાગવત કથાના અલગ અલગ પ્રસંગોનું વિસ્તૃત છણાવટ સાથે ભાવિકોને કથાનું રસપાન કરાવતા કથાકારે જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી આરાધના ઉપાસના નું પર્વ છે.શક્તિ ઉપાસના દ્રારા મનુષ્યને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.નવરાત્રીમાં અંબાની પુજા,હોમ,કુંવારીકા પુજન,વિપ્ર ભોજન કરાવવાથી નવરાત્રી વ્રત પૂર્ણ થાય છે.જગતમાં બીજા અનેક વ્રતદાન છે તે નવરાત્રી વ્રતની તુલના કરી શકે નહીં..શક્તિ ઉપાસના દ્રારા જ મનુષ્ય પોતાના આત્માની ઉન્નતિ કરી શકે..કથાકારે ઉમેર્યું હતું કે ગંગા,ગાય,ગાયત્રી,ગીતા,ગોપી પાંચ ગૌકાર નું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે તેનું રક્ષણ કરવું જરૂરી છે.
તાલાલા પંથકને ધર્મમય બનાવવા અમુલ્ય યોગદાન આપનાર આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ.પા.સોભરનદાસ બાપુ દ્રારા સામાજીક અને ધર્મ ઉપયોગી થયેલ અનેક કાર્યોની વ્યાસપીઠ ઉપરથી છણાવટ કરી કથાકારે ભાવિકોને અવગત કર્યા હતા. કથા શ્રવણ કરવા આવતા તમાંમ ભાવિકો જગ્યાના મહંત ગણેશમુની બાપુના મંગલ આશિષ સાથે સમુહમાં અલ્પાહાર(પ્રસાદ)નો લાભ લઇ રહ્યા છે.ઉદાસીન આશ્રમમાં ચાલતી કથા તથા ધાર્મિક ઉત્સવની સંપૂર્ણ વ્યવસ્થા આશ્રમના સમસ્ત સેવકગણ સંભાળી રહ્યા છે.



