કૃષિ મહોત્સવમાં સરપંચ અને તેમના પતિને નીચે બેસાડતાં સર્જાયો ભારે દેકારો, ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં બોલાયો હોબાળો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.15
હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે યોજાયેલા કૃષિ મહોત્સવના સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવાને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી જતાં ભારે વિવાદ સર્જાયો હતો. સરકારી કાર્યક્રમમાં માત્ર ભાજપના અમુક નેતાઓને જ ખુરશી પર સ્થાન આપવા બદલ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત તમામ નેતાઓને સ્ટેજ પરથી નીચે ઉતારી દેવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમમાં ગામના ચૂંટાયેલા સરપંચ અને તેમના પતિને સ્ટેજ પર જગ્યા આપવામાં આવી નહોતી અને તેમને નીચે બેસાડવામાં આવ્યા હતા. આની સામે ભાજપના અમુક ગમતા નેતાઓને સ્ટેજ પર ખુરશી આપી સન્માનિત કરાતાં કોંગ્રેસ પક્ષમાં ભારે રોષ ફેલાયો હતો. તત્કાળમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ આ ઘટના સામે વિરોધનું બ્યુગલ ફૂંક્યું હતું.
વિવાદ દરમિયાન કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, એક તરફ સરકાર સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ કૃષિ મહોત્સવના આ કાર્યક્રમમાં મહિલા સરપંચને જ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું નહોતું અને માત્ર પુરુષ નેતાઓને જ મહત્ત્વ અપાયું હતું. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારી કાર્યક્રમ હોવા છતાં ભાજપના મનગમતા અને અમુક નેતાઓ જ દરેક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે.
વળી, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ અને તાલુકા પંચાયતના સદસ્યના પતિ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા, જેને લઈને પણ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. કોંગ્રેસના વિરોધને પગલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાષણ દરમિયાન હોબાળો મચી ગયો હતો. આ સમયે તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ) સહિતના અધિકારીઓ પણ હાજર હતા.
હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પંચાયત સદસ્યો અને કાર્યકરોએ આ વિસંગતતા સામે વિરોધ કર્યો હતો. સ્થિતિ ગરમાતા કોંગ્રેસના બંને પ્રમુખો સ્ટેજ નીચે ધરણા પર ઉતરી ગયા હતા અને તીખો વિરોધ દર્શાવ્યો હતો. ભારે રકઝક અને હોબાળાને કારણે આખરે તંત્ર દ્વારા સમાધાનના ભાગરૂપે સ્ટેજ પર હાજર તમામ નેતાઓને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ મામલો શાંત પડ્યો હતો.