157 વર્ષ જૂનાં ટાટા ગ્રુપમાં જૂથવાદ!
નોએલ ટાટા, એન ચંદ્રશેખરન અમિત શાહ અને સીતારામણને મળ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ટાટા સન્સ બોર્ડ બેઠકો અંગેના વિવાદ વચ્ચે ગઈકાલે 7 ઓક્ટોબરના રોજ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને વરિષ્ઠ નેતૃત્વએ 45 મિનિટની બેઠક યોજી હતી. એક અહેવાલ મુજબ, સરકારે વિનંતી કરી છે કે કંપની પર અસર ન પડે તે માટે આંતરિક વિવાદનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે.
ગૃહમંત્રી શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, વાઇસ-ચેરમેન વેણુ શ્રીનિવાસન, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટ્રસ્ટી ડેરિયસ ખંભટ્ટા બેઠકમાં હાજર રહ્યા હતા. ટાટા ટ્રસ્ટ બોર્ડ હવે 10 ઓક્ટોબરે મળશે.
હાલમાં, ટાટા સન્સ બોર્ડમાં ચાર બેઠકો ખાલી છે. બોર્ડમાં નટરાજન ચંદ્રશેખરન, નોએલ એન ટાટા, વેણુ શ્રીનિવાસન, હરીશ મૈનવાણી અને સૌરભ અગ્રવાલનો સમાવેશ થાય છે. માર્ચ 2024 સુધીમાં ટાટા સન્સનું બજાર મૂલ્ય ₹27.85 લાખ કરોડ હતું. સમગ્ર જૂથનું મૂલ્ય આશરે ₹15.9 લાખ કરોડ આંકવામાં આવ્યું છે.
આખો વિવાદ 11 સપ્ટેમ્બરના રોજ ટાટા ટ્રસ્ટની બેઠકથી શરૂ થયો હતો. આ બેઠકમાં ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને ટાટા સન્સ બોર્ડમાં નોમિની ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, સિંહે હાજરી આપી ન હતી. ટાટા ટ્રસ્ટમાં સિંહ સહિત કુલ સાત ટ્રસ્ટીઓ છે.
9 ઓક્ટોબર, 2024ના રોજ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાના અવસાન બાદ, ટ્રસ્ટોએ નિર્ણય લીધો કે ટાટા સન્સ બોર્ડમાં નોમિની ડિરેક્ટરોને 75 વર્ષની ઉંમર પછી દર વર્ષે ફરીથી નિયુક્ત કરવામાં આવશે. 77 વર્ષીય સિંહ 2012થી આ ભૂમિકા નિભાવી રહ્યા હતા.
નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન દ્વારા પુન:નિયુક્તિ માટેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, બાકીના ચાર સભ્યો – મેહલી મિસ્ત્રી, પ્રમિત ઝવેરી, જહાંગીર એચ.સી. જહાંગીર અને ડેરિયસ ખંભટ્ટા – એ સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો. આ ચાર સભ્યો બહુમતીમાં હોવાથી, ઠરાવને નકારી કાઢવામાં આવ્યો.
ત્યારબાદ આ ટ્રસ્ટીઓએ ટાટા સન્સ બોર્ડમાં મેહલી મિસ્ત્રીને તેમના નોમિની તરીકે પ્રસ્તાવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નોએલ ટાટા અને શ્રીનિવાસને તેમની નિમણૂક અટકાવી દીધી. બેઠક પછી તરત જ સિંહે ટાટા સન્સ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું.
મેહલી મિસ્ત્રીના નેતૃત્વમાં ચાર ટ્રસ્ટીઓ શાપૂરજી પલોનજી પરિવાર સાથે જોડાયેલા છે, જે ટાટા સન્સમાં 18.37% હિસ્સો ધરાવે છે. પીટીઆઈ અનુસાર, મેહલીએ મુખ્ય નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ ટાટા સન્સમાં ડિરેક્ટર પદ પર કેન્દ્રિત છે.
ટાટા સન્સની લિસ્ટિંગ યોજના પેન્ડિંગ
આ વિવાદ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2025 સુધીમાં ટાટા સન્સને લિસ્ટેડ કંપની બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ સમયમર્યાદા વીતી ગયા પછી પણ આ કાર્ય અધૂરું છે. લિસ્ટિંગમાં વિલંબથી ટ્રસ્ટની 66 ટકા હિસ્સેદારીના મૂલ્યાંકન પર સીધી અસર પડી શકે છે. ટાટા સન્સની લિસ્ટિંગ યોજના પણ પેન્ડિંગ છે અને આ દરમિયાન ટ્રસ્ટીઓ વચ્ચે નોમિની ડાયરેક્ટર્સની નિમણૂકને લઈને મતભેદો ખુલ્લેઆમ સામે આવ્યા છે.
- Advertisement -
જઙ ગ્રુપ ટાટા સન્સમાં
4-6% હિસ્સો વેંચી શકે છે
આ દરમિયાન, ટાટા અને શાપૂરજી પલોનજી (જઙ) ગ્રુપ વચ્ચે સમાધાનનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. તાજેતરના વિકાસથી પરિચિત ઉચ્ચ સ્તરીય સૂત્રો સૂચવે છે કે ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ જઙ ગ્રુપને ટાટા સન્સમાં 4-6% હિસ્સો વેચવાની ઓફર કરવા તૈયાર છે. જો આ સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો જઙ ગ્રુપને તેનું દેવું ચૂકવવા માટે ભંડોળ પ્રાપ્ત થશે. ગ્રુપ પર હાલમાં આશરે ₹30,000 કરોડનું દેવું છે.