આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી નોકરીઓને કોઈ જોખમ નથી
નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ટૂંકમાં સંસદમાં રજૂ થશે, 11 પ્રકારના ક્ધટેન્ટ પર પ્રતિબંધ મૂકાશે : રાજીવ ચંદ્રશેખર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર અન્ય કોઈપણ ઉભરતી ટેક્નોલોજીની જેમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર પણ નિયંત્રણો મૂકશે અને તેના માટે ટૂંક સમયમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ કરશે. આ બિલ મારફત 11 પ્રકારના ક્ધટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલ ઘણે અંશે ટાસ્ક ઓરિએન્ટેડ છે અને લોજિક તથા રિઝનિંગની જરૂર હોય તેવી સ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી. આવા સંજોગોમાં એઆઈનાં વર્તમાન સ્વરૂપથી વ્યાપક સ્તરે નોકરીઓ જવાનું જોખમ જણાતું નથી. નોકરીઓમાં સામાન્ય રીતે લોજિક અને રિઝનિંગની જરૂર હોય છે અને એઆઈ આ બાબતમાં હાલ એટલી સારી નથી.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ થશે. સરકારે ઈન્ટરનેટના ઓપન, સલામત અને ડિજિટલ નાગરિકની સુરક્ષા માટે કાયદો બનાવવાની પહેલ શરૂ કરી છે.
સરકારે 2019માં પણ આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી તે બિલ પાછું ખેંચી લેવાયું હતું. હવે સરકાર આ જ બિલની રૂપરેખાને નવી જરૂરિયાતો મુજબ બદલીને ફરી લાવી રહી છે. આ બિલમાં ડિજિટલ શબ્દ પણ જોડવામાં આવ્યો છે. સરકાર આ બિલ મારફત ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ, ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરતી સામગ્રી, પેટન્ટનો ભંગ કરતી સામગ્રી, ખોટી માહિતી જેવા 11 પ્રકારના ક્ધટેન્ટ પર પ્રતિબંધ મૂકશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે મોબાઈલ ઈન્ટરનેટ અને ડેટાના સૌથી મોટા ગ્રાહક છીએ.
- Advertisement -
દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં તેની કિંમત સૌથી ઓછી છે. છેલ્લા 9 વર્ષમાં તેના ભાવમાં આ ઘટાડો જોવા મળ્યો છે. હવે ભારત અંતરિયાળ વિસ્તારોમાં પણ ટેકનિકના માધ્યમથી સશક્તિકરણનો અનુભવ કરી રહ્યું છે. ભારતમાં 5-જી ટેક્નોલોજીનો અમલ પણ સૌથી ઝડપથી થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિજિટલ ઈકોનોમી પર નજર કરીએ તો 2014-15માં ભારતીય અર્થતંત્રમાં તેનો હિસ્સો માત્ર 3.5 ટકા હતો, જે આજે વધીને 10 ટકા થઈ ગયો છે. વર્ષ 2025-26 સુધીમાં તે વધીને 20 ટકા થવાની શક્યતા છે.