ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. ગીર ગઢડા તાલુકાના છેવાડાના ગામોમાં અને નેસ વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા સનવાવને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સનવાવ ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સરકારના તજજ્ઞો દ્વારા સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય સુવિધાઓ સહિત ગુણવત્તાયુક્ત કામગીરી બદલ પસંદગી થઈ છે. આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 92.52% ટકા સ્કોર મેળવી સનવાવ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.



