વિશ્ર્વ માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાના અમર સર્જકોને યાદ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરના ખાતે વિશ્ર્વ માતૃભાષા દિવસની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ અને તજજ્ઞ વક્તાઓએ માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા ઉક્ત પંક્તિઓની પ્રસ્તુતિ કરી હતી. સાથે જ ગુજરાતી ભાષાના અમર સર્જકો એવા નરસિંહ મહેતા પ્રેમાનંદ, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, કાકા કાલેલકર વગેરેના જીવન કવન અને સર્જનનું સ્મરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે, વિશ્વ ભાષા અંગ્રેજી છે તેને સ્વીકારીએ પરંતુ આપણી માતૃભાષા ગુજરાતીની અવગણના ન થાય તેની વિશેષ તકેદારી રાખીએ, વિદ્યાર્થીઓ પણ પોતાની માતૃભાષામાં વધારે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, એક સંશોધન મુજબ માતૃભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રગતિ સવિશેષ હોય છે. સાથે તેમણે વિદ્યાર્થીઓને સ્પષ્ટ ઉચ્ચાર સાથે રોજિંદા જીવનમાં શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.તેમજ અંગ્રેજી ભાષાનો વિરોધ ન હોઈ શકે પરંતુ ગુજરાતી ભાષાના ભોગે અંગ્રેજીને મહત્વ ન આપી શકાય.
નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, સાથે જ રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતી ભાષાની કાળજી લેવામાં આવી રહી છે, તેમ જણાવતા કહ્યું કે, માતા, માતૃભાષા અને માતૃભૂમિના આપણે કાયમ ઋણી રહીએ છીએ. તેમણે વિશ્વમાં અને ભારતમાં બોલાતી માતૃ ભાષાઓની આંકડાકીય જાણકારી પણ આપી હતી.