જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જંકફૂડને બદલે પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કર્યો: વિજેતાઓનું સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મહિલાઓ, બાળકો અને કિશોરીઓમાં સુપોષણનું પ્રમાણ વધારવાના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં આઈ.સી.ડી.એસ. Integrated Child Development Services)કચેરી દ્વારા પોષણ ઉત્સવ – 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ વધારવા બાબતે જાગૃત કરવાના હેતુથી ‘ટેક હોમ રાશન’ અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. મહાનુભાવોએ આ વાનગીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું અને તેના પોષણ મૂલ્યની સરાહના કરી હતી.
અધ્યક્ષસ્થાનેથી બોલતા હંસાબેન પારેઘીએ આઈ.સી.ડી.એસ. અને આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ખાંડ અને મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા તેમજ જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચનમાં આંગણવાડી વર્કરની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે આ કાર્યને માત્ર કામગીરીરૂપે નહીં, પરંતુ નિષ્ઠાપૂર્વક બાળકો સાથે આત્મીયતા દાખવી નાના ભૂલકાંઓમાં પ્રેમ અને લાગણીથી સુસંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું હતું.
આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાયએ કર્યું હતું, જ્યારે આભારવિધિ સીડીપીઓ ડો. વૈશાલીબેન પટગીરએ કરી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, સીડીપીઓ સર્વ અગ્રણી વાઘજીભાઈ ડાંગરોચા અને ઈશુભાઈ શેરશીયા સહિત આંગણવાડીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.