જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને ગાર્ડી વિદ્યાપીઠ, આણંદપર ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી નીલાંબરીબેન દવેએ “એમ્પાવરીંગ વુમન એ સ્મોક ફ્રી હેલ્ધી ફયુચર” વિષય અંગે વક્તવ્ય આપ્યું હતું. મેડિકલ ઓફિસરશ્રી ડો.ખ્યાતિબેન વસાવડાએ તમાકુથી થતા શારીરિક નુકસાન અને તેની જાગૃતિ અંગે વિદ્વત્તાસભર સંબોધન કર્યું હતુ.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેન્સેટાઇઝેશન વર્કશોપ અને નશામુક્ત ભારત અભિયાન અંગે સ્લોગન સ્પર્ધા પણ યોજાઇ હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી રમાબેન માવાણી, અગ્રણીશ્રી રામજીભાઈ માવાણી, આઇ.સી.ડી.એસ.ના શ્રી કંચનબેન બગડા, ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડાયરેકટરશ્રી જય મહેતા, વિદ્યાપીઠના વિવિધ હોદ્દેદારો અને પ્રોફેસરો અને કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.