જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ, રૂ. 13.16 લાખથી વધુના લાભોનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પટેલ સમાજ વાડી, સનાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને ’કૃષિ વિકાસ દિન’-’રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો હતો.
હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા કૃષિ મહોત્સવ થકી આજે કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચ્યો છે, જેના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ યાંત્રિકીકરણ અને તારની વાડ બનાવવા સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવાના ઉદ્દેશથી યોજાયેલા આ મહોત્સવમાં તાર ફેન્સીંગ, ટ્રેક્ટર સ્પ્રેયર પંપ, ટ્રેક્ટર સહિતની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને કુલ રૂ. 13.16 લાખથી વધુના લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.