દીપાવલી તહેવાર યુનેસ્કોની અમૂર્ત વારસાની ધરોહરમાં સામેલ
કિલ્લામાં ઢળતી સાંજે અનોખો માહોલ સર્જાયો: સાંસ્કૃતિક ગીતો પણ રજૂ કરાયા
- Advertisement -
દીપાવલી તહેવાર ભારતનું 16મું તત્વ તરીકે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ભારતના સૌથી મહત્વપૂર્ણ પર્વ દીપાવલી તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરની યાદીમાં સ્થાન મળતાં રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ થઈ છે. ભારતની આ ગૌરવપૂર્ણ સિદ્ધિના વધામણા જૂનાગઢ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે આવેલા રાણકદેવી મહેલના પ્રાંગણમાં આ પ્રસંગની ઉજવણી કરાઈ હતી, જ્યાં જુદી જુદી વિદ્યાલયોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી કલાત્મક રંગોળીઓ બનાવીને અને દીપ પ્રજ્વલિત કરીને ગૌરવપૂર્ણ સિદ્ધિને વધાવી લીધી હતી. કિલ્લામાં ઢળતી સાંજે એક અનોખો અને ઉત્સવમય માહોલ સર્જાયો હતો, જ્યાં મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા સહિતના મહાનુભાવો સહભાગી બન્યાં હતાં. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કળાને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શ્રીમતી એન. બી. કાંબલીયા ક્ધયા વિદ્યામંદિર, બહાઉદ્દીન સાયન્સ કોલેજ, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ સહિત કુલ આઠ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત, સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારોએ સાંસ્કૃતિક ગીતોની પણ પ્રસ્તુતિ આપી હતી. નોંધનીય છે કે, ભારત સરકારે 2024-25 માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું, જેને સ્વીકારવામાં આવતા દીપાવલી તહેવાર ભારતનું 16મું તત્વ તરીકે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ અને પુરાતત્વ સાઇટ્સ પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજીને રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યુનેસ્કોનું 20મું આંતરસરકારી સમિતિનું સત્ર 7-13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે, આ સત્રમાં 180 થી વધુ દેશોના 1000 થી વધુ પ્રતિનિધિ, સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાંતો, એનજીઓ અને વારસાગત પરંપરાના ધારકો ભાગ લઈ રહ્યા છે, ભારત સરકારે 2024-25 માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું, જેને ભારતનું 16મું તત્વ તરીકે દીપાવલી તહેવાર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ, પુરાતત્વ સાઇટ્સ પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડાંગરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સંકલન કર્યું હતું.



