બીચ ફેસ્ટિવલનો ત્રીજો દિવસ: સાહિત્યરસમાં રસ તરબોળ કરતાં રાજભા ગઢવી
લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ કોકિલકંઠી સૂર રેલાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
અહેમદપુર માંડવી બીચ ખાતે યોજાઈ રહેલા ત્રિ દિવસિય બીચ ફેસ્ટિવલના ત્રીજા દિવસની મોડીસાંજે રાજભા ગઢવીના દૂહા-છંદની રમઝટ વચ્ચે ભવ્ય આતશબાજી વચ્ચે ’ભારત માતા કી જય’, અને ’વંદે માતરમ્’ ના ગગનભેદી નારાઓ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહેમદપુર-માંડવી ખાતે ચાલી રહેલા બીચ ફેસ્ટિવલના ત્રીજા અને અંતિમ દિવસે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી અને લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ ઉપસ્થિત સર્વેને લોકસાહિત્યની વાતો દ્વારા સાહિત્યરસમાં તરબોળ કર્યા હતાં. રાજભા ગઢવીએ ચારણી સાહિત્યના દૂહા, છંદ, ચોપાઈ, લોકકથની સહિત સપાખરાં અને લોક સંસ્કૃતિના કથાનકનો આસ્વાદ કરાવતાં ઉપસ્થિત સૌને સાહિત્યરસમાં રસ તરબોળ કર્યાં હતાં.
રાજભા ગઢવીએ દેશભક્તિસભર ગીતોની શૌર્યવાન પ્રસ્તુતિઓ સાથે દરિયાઈ કથાઓ, દરિયાઈ શૂરવીરતાની વાતો દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યાં હતાં. લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ ’ભારત દેશ હૈ મેરા’, ’રઘુકૂલ રીત સદા ચલી આઈ’, ’દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે’ જેવા સાહિત્યની પ્રસ્તુતિ સાથે દોસ્તીનું મહત્વ દર્શાવતા ગીતોની સૂરમયી રજૂઆત દ્વારા કોકિલકંઠી સૂર રેલાવ્યાં હતાં.



