ઇઝરાયલની વૉર કેબિનેટે લેબેનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસ માટે સીઝફાયર ડીલને મંજુરી આપી
ઈઝરાયલ-હિઝબુલ્લાહના 14 મહિનાથી ચાલતા યુદ્ધનો અંત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસ છોડતા પહેલા એક મોટી સફળતા મેળવી છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ સંબંધિત ડીલ કરવામાં તેઓ સફળ રહયા છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે મંગળવારે મોડી રાત્રે યુદ્ધવિરામને મંજૂરી આપી હતી. ઑક્ટોબર 7માં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ હિઝબુલ્લાએ ઉત્તરીય સરહદ પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ ડીલ બાદ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ 14 મહિનાથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવી ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષા કેબિનેટે તેને 10-1ના મતથી મંજૂરી આપી હતી. થોડીવાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી કે ઇઝરાયેલ અને લેબેનોનના સમય અનુસાર સવારે 4 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવશે. ભારતીય સમય અનુસાર આ યુદ્ધવિરામ સાંજે 7:30 વાગ્યાથી અમલમાં આવશે. કરારની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ કથિત રીતે 60-દિવસની વિન્ડો આપે છે જે દરમિયાન ઇઝરાયેલ દક્ષિણ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી લેશે. લેબનીઝ સેના લિતાની નદીની દક્ષિણમાં લગભગ 5,000 સૈનિકો તૈનાત કરશે.
યુદ્ધવિરામ કરાર અનુસાર, હિઝબોલ્લાહ દક્ષિણ લેબનોન છોડી દેશે અને તેના લશ્ર્કરી માળખાને નષ્ટ કરવામાં આવશે. હિઝબોલ્લાહ દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો જવાબ આપવા માટે અમેરિકા ઇઝરાયેલને અધિકાર પણ આપી રહ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહયું કે, ઈઝરાયેલ આ પ્રક્રિયામાં અમેરિકાના સહયોગની પ્રશંસા કરે છે અને તેની સુરક્ષા માટે કોઈ પણ ખતરો સામે કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.
- Advertisement -
પીએમ નેતન્યાહુએ કહ્યું કે હિઝબુલ્લા સાથે યુદ્ધવિરામ સમયની જરૂરિયાત છે કારણ કે ઇઝરાયેલની સેના હાલમાં ઈરાનને પહોંચી વળવાના પડકાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આનું બીજું કારણ એ છે કે ઇઝરાયેલ આર્મીના હથિયારોના સ્ટોકને ફરીથી રિપેર કરવાની જરૂર છે. અમારે હજુ પણ વધુ અદ્યતન શસ્ત્રો પૂરા પાડવાના છે જેથી અમારા સૈનિકો સુરક્ષિત રહે અને અમે બમણા બળથી જવાબી કાર્યવાહી કરી શકીએ.
હવે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહયું છે. લેબનોન કહે છે કે યુદ્ધમાં ઓછામાં ઓછા 3,768 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના છેલ્લા બે મહિનામાં છે. ત્રીજું કારણ આપતાં તેમણે કહ્યું કે હિઝબુલ સાથે યુદ્ધવિરામ પણ હમાસને અલગ કરવાનો એક માર્ગ છે. હમાસ શરૂઆતથી જ હિઝબુલ્લાહ પર નિર્ભર હતી. તે યુદ્ધમાં હિઝબુલ્લાહની મદદ લઈ રહ્યો હતો. હવે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ બાદ તેને અલગ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જો હિઝબુલ્લાહ યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરીને હમાસને મદદ કરશે તો ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરશે.
મહેરબાની કરીને નોંધ કરો કે હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યાના બીજા દિવસે, હિઝબુલ્લાહે 8 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કરવાનું શરૂ કર્યું. બાદમાં, આ વર્ષે સપ્ટેમ્બરમાં, ઇઝરાયેલે લેબેનોન પર ઝડપી હવાઈ હુમલા કર્યા અને ઇઝરાયેલી સેના આક્રમક કાર્યવાહી માટે લેબેનોનના દક્ષિણ ભાગમાં પ્રવેશી. બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલામાં અત્યાર સુધીમાં માત્ર 82 સૈનિકો અને 47 નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આખું ગાઝા તબાહ થઈ ગયું છે, ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 44 હજાર લોકો માર્યા ગયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.