ટ્રમ્પની સોય ભારત-પાકિસ્તાન યુદ્ધ પર જ અટકી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.07
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સત્તા અને સંપત્તિની કોઈ કમી નથી, પરંતુ તેઓ હવે યોગ્યતા વિના ન મળી શકે તેવા વિશ્વના પ્રતિષ્ઠિત સન્માન નોબલ શાંતિ પુરસ્કાર માટે બેચેન છે. આ વર્ષના નોબલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે, પણ શાંતિ પુરસ્કાર હજુ જાહેર થયો નથી. આ વચ્ચે ટ્રમ્પે ફરી એકવાર પોતાની ‘અદ્ભુત ક્ષમતા’ના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે અનેક યુદ્ધો અટકાવ્યા છે, અને ટેરિફના દબાણ હેઠળ તેમણે ઇઝરાયલ અને પાકિસ્તાન જેવા દેશો પાસે પણ આ વાત કહેવડાવી છે. જોકે, ભારતે તેમની સીઝફાયર કરાવવાની વાત નકારી, જેનો ગુસ્સો તેને ટેરિફના સ્વરૂપમાં ચૂકવવો પડ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે જો તેમની પાસે ટેરિફ લગાવવાની શક્તિ ન હોત, તો આજે દુનિયામાં સાતમાંથી ઓછામાં ઓછા ચાર સ્થળે યુદ્ધ ચાલી રહ્યા હોત. તેમણે ભારત-પાકિસ્તાનનું ઉદાહરણ આપીને કહ્યું કે, ’તેઓ લડાઈ માટે તૈયાર હતા, સાત વિમાનો તૂટ્યા હતા અને પરમાણુ શક્તિઓ ટકરાવાની તૈયારીમાં હતી. જેમાં મારો હસ્તક્ષેપ ખૂબ અસરકારક હતો. આથી મેં ટેરિફનો ઉપયોગ કરીને યુદ્ધ અટકાવ્યું, જેનાથી અમેરિકાએ સેંકડો અબજ ડોલર કમાયા અને શાંતિ જાળવનારા પણ બન્યા.” મે મહિનામાં, ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધ્યો હતો.
- Advertisement -
7 મેના રોજ ઓપરેશન શરૂ થયા બાદ 10 મેના રોજ બંને દેશોએ સીઝફાયર જાહેર કર્યો.આ સીઝફાયરની જાહેરાત અમેરિકી પ્રમુખે પોતે કરી હતી, જેના માટે પાકિસ્તાને તેમની ભૂમિકાના વખાણ કર્યા, જ્યારે ભારતે તેમાં તેમની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો.ત્યારથી ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે વેપાર ન કરવાની ધમકી આપીને તેમણે યુદ્ધ અટકાવ્યું. તેઓ એવો પણ દાવો કરે છે કે પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે લાખો જિંદગીઓ બચાવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
ટ્રમ્પનું નવું ગતકડું: અમેરિકામાં ટ્રક પર 25% ટેરિફ, નાના વાહનો માટે યુરોપ-જાપાન સાથે ડીલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ દર થોડા દિવસમાં કોઈ નવા ટેરિફની જાહેરાત કરતાં રહે છે. જેના કારણે વિશ્વભરમાં વેપારમાં અસ્થિરતા આવી છે. ટ્રમ્પે હવે અમેરિકામાં આયાત થતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. નવા ટેરિફ પહેલી નવેમ્બરથી લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ટ્રક પર ટેરિફની જાહેરાત કરી. તેમનો દાવો છે કે આ ટેરિફના કારણે અમેરિકામાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, અમેરિકામાં જ ટ્રક બનાવતી કંપનીઓને સીધો લાભ મળશે. વિદેશી ડમ્પિંગથી બચી શકાશે તથા અમેરિકાના શ્રમિકોને પણ લાભ મળશે. નોંધનીય છે કે અમેરિકામાં નાના વાહનોની આયાત પર 15 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે. જે માટે જાપાન અને યુરોપ સાથે ડીલ કરવામાં આવી છે.



