સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને કારણે એક લાખથી વધુ લોકો સ્થળાંતર કરવા મજબૂર
ખાસ-ખબર સંવાદદાતા
યુદ્ધગ્રસ્ત સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે. યુદ્ધવિરામ 4 મેથી અમલમાં આવશે અને 11 મે સુધી ચાલશે. આ જાહેરાત સુદાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોની બચાવ કામગીરીને વેગ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે સુદાનમાં સત્તા પર કબજો કરવા માટે સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી લગભગ 400 લોકો માર્યા ગયા છે. સુદાનમાં હિંસા શરૂ થયા બાદ અમેરિકાએ અત્યાર સુધીમાં તેના લગભગ 1000 નાગરિકોને બહાર કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે બહુરાષ્ટ્રીય પ્રયાસના ભાગરૂપે આ નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 200 અમેરિકી અધિકારીઓ કટોકટીની શરૂઆતથી તેમના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધે અત્યાર સુધીમાં એક લાખ લોકોને પોતાનું ઘર છોડીને સરહદ પાર પલાયન કરવાની ફરજ પડી છે.