સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ
ઉ.પ્ર. વિધાન પરિષદના કર્મચારીઓની ભરતીમાં અનિયમિતાઓની તપાસ સીબીઆઇને સોંપવાનાં હાઇકોર્ટના આદેશને ફગાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટો અને પોતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇ પણ કેસમાં સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ. સીબીઆઇ તપાસને નિયમિત તપાસનોે ભાગ બનાવી લેવો જોઇએ નહીં.આ ટિપ્પણી દરમિયાન કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સીબીઆઇ તપાસની મદદ ત્યારે જ લેવી જોઇએ જ્યારે અન્ય તમામ વિકલ્પ સમાપ્ત થઇ જાય. જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઇની ખંંડપીઠે અલ્લાહાબાદ હાઇકોર્ટના એ આદેશને ફગાવી દીધો જેમાં ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના કર્મચારીઓની ભરતીમાં કથિત અનિયમિતાઓની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઇકોર્ટને આ આદેશ શંકા અને અંદાજને આધારે પસાર કર્યો હતો. કોર્ટે કેસને પુનર્વિચાર માટે હાઇકોર્ટને પરત મોકલી દીધો છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ ચુકાદો લખતા જણાવ્યું હતું કે આ સુવ્યવસ્થિત પ્રક્રિયા છે કે સામાન્ય સંજોગોમાં કોર્ટ સીબીઆઇ તપાસનો આદેશ આપી શકે નહીં.બંધારણની કલમ 32 અને 226 હેઠળ આ એક અસામાન્ય બંધારણીય શક્તિ છે. તેનો ઉપયોગ ખૂબ જ સાવચેતી અને વિવેક સાથે થવો જોઇએ.
પોતાના ચુકાદા દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ પક્ષને રાજ્ય પોલીસ પર શંકા હોય અથવા તેને નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ ન હોવાને આધારે સીબીઆઇ તપાસનો આદેશ આપવો યોગ્ય નથી.
કોર્ટને એ સુનિશ્ચિત કરવું પડશે કે નિષ્પક્ષ તપાસ માટે કેન્દ્રીય તપાસની જરૃર છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ક્યારે સીબીઆઇ તપાસ કરાવવી જોઇએ તે નક્કી કરવા અંગે કોઇ ચોક્કસ નિયમ નથી. જો કે કોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વને ધ્યાનમાં રાખી નિર્ણય લઇ શકે છે.