હાલનો કોઝવે નીચો હોવાથી ચોમાસામાં પાણી આવતા ઉપયોગી રહેતો ન હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
વઢવાણ જીઆઇડીસીમાં રૂ.13 કરોડના ખર્ચે કોઝવેનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામ ઝડપથી ચાલુ થાય તેવી લોકોની માગ હતી ત્યારે સોમવારથી આ કોઝવેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અંદાજે દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરીને લોકોની સુવિધા માટે પુલ ચાલુ થઇ જાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
જીઆઇડીસી અને વઢવાણની જનતાને નદી પાર કરવા માટે જીઆઇડીસીનો પુલ ખૂબ મહત્વનો છે. આ પુલ ન હોય તો લોકોને 3થી 4 કિમીનો ફેરો ફરીને જવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે. વર્ષો પહેલા બનાવેલો આ કોઝવેની હાલત ખરાબ થઇ ગઇ હતી. આથી તંત્ર દ્વારા રૂ.13 કરોડના ખર્ચે આ પુલનું નવુ કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જેની ટેન્ડર સહિતની કાર્યવાહી પૂર્ણ થઇ ગયા બાદ જો ઝડપથી કામ ચાલુ કરવામાં આવે તેવી લોકોની માગ હતી. ત્યારે સોમવારે કોઝવેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જેની ધારાસભ્ય જગદીશ મકવાણા, કમિશનર નવનાથ ગવહાણે, અંકિતસિંહ ભટ્ટી સહિતના આગેવાનોએ કોઝવેની મુલાકાત લીધી હતી. ઉપરાંત કેવી રીતે કામ થશે તેની તપાસ કરી હતી. જેમાં હાલનો કોઝવે છે તે નીચો છે જેથી ચોમાસામાં પાણી આવતું ત્યારે પુલનો ઉપયોગ થઇ શકતો ન હતો. પાણીના સતત મારાને કારણે પુલ તૂટી પણ જતો હતો. પરંતુ આ નવો પુલ ગ્રાઉન્ડ લેવલથી અંદાજે 3 મીટરની હાઇટનો થશે. તેમાં પાણી નિકાલ માટેના 18 ગાળા બનાવાશે. જેથી પાણી પણ રોકાશે નહીં.