ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ રાજકોટ સીટીમાં ઢોરોના વધતાં ત્રાસ સામે તંત્ર હવે એકશનમાં આવ્યું છે. હાલ શહેરમાં રોજના 15થી 25 ઢોરને પાંજરે પૂરવામાં આવે છે. આ કામગીરી માટે સવારે અને રાત્રે ઢોર પકડવાની ટીમને તંત્રએ કામે લગાડી છે. દરેક ઢોરને પાંજરાપોળ મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે ઢોરની સંખ્યામાં વધારો થતાં નવી એનીમલ હોસ્ટેલ રાજકોટમાં બનશે તેવું આર.એમ.સી. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
વધુમાં આર.એમ.સી. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે ઢોર પકડતી ટીમ વધારીને છ કરવામાં આવી છે, જેમાં રાત્રે 2 ટીમ અને દિવસે 4 ટીમ ઢોરોને પકડવાની કામગીરી કરી રહી છે. આમ મોડી રાત્રે પણ રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવશે. લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકારે રાજકોટ સહિત 15 જિલ્લાને નિયંત્રિત વિસ્તાર જાહેર કર્યો છે. ઢોર માલીકો પોતાના ઢોરને રસ્તે રઝળતાં કરી મૂકે છે ત્યારે ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો અટકાવવા માટે તંત્ર એકશનમાં આવ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કરવા માટે ઢોર પકડવાની ટીમ વધારવામાં આવી છે.
- Advertisement -
રાજકોટમાં બનશે એનીમલ હોસ્ટેલ
શહેરમાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મનપા તંત્ર દ્વારા ઢોરને પકડીને પાંજરે પૂરી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી રહી છે. ઢોરોની સંખ્યા વધુ છે ત્યારે રાજકોટમાં નાના મવા અથવા તો પ્રદ્યુમન પાર્ક પાસે એનીમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. દર વર્ષે બજેટમાં દરખાસ્ત કરવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી જેના કારણે ઢોરનો ત્રાસ દૂર થતો નથી. આમ હવે રાજકોટમાં પણ એનીમલ હોસ્ટેલ બનાવવા બે જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી છે.