સાળંગપુર BAPS મંદિરના સ્વામીની કાર તણાઇ: 4નો બચાવ, બોચાસણથી પરત ફરતી અર્ટિગામાં સાત લોકો હતા સવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે ગઈકાલે, 13 જુલાઈ 2025ની મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બે હરિભક્તના કરુણ નિધન થયા છે, જ્યારે એક નવદીક્ષિત સંત હજુ પણ લાપતા છે. જેઓની છેલ્લા 13 કલાકથી ગઉછઋ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા (આશરે 60 વર્ષ) અને પ્રબુદ્ધ કાસિયા (આશરે 10 વર્ષ)ના મૃત્યુ નીપજ્યા છે. બરવાળાના પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે ગઇકાલે એક અર્ટિગા કાર જઈ રહી હતી, જેની અંદર સાત લોકો સવાર હતા. તેઓ ગોધાવટાના કોઝવે આગળ, જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે એને પાર કરવાની કોશિશ કરતાં ગાડી તણાઇ હતી. એમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે તણાતાં ફસાઇ ગયા હતા. એમાંથી બે લોકોની લાશ મળી છે. એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા એક કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરવામાં આવ્યો હતો.