ધ્યાન સાધનાની સૌથી ટુંકી વ્યાખ્યા કઈ હોઈ શકે? ધ્યાન સાધના એટલે મનને સતત ઈશ્વર ચિંતનમાં પરોવી રાખવાની પ્રવૃત્તિ. મન તોફાની, બેકાબુ ઘોડા જેવું હોય છે. એ સતત સાંસારિક બાબતોમાં ઉછળતુ કૂદતું રહે છે. મનને વારંવાર ટપારીને ઈશ્વર ચિંતનમાં જોડવું પડે છે. મન ન જોડાવા માટે અનેક બહાનાઓ શોધી કાઢે છે. જેવા કે સવારે વહેલા ઉઠાતું નથી, આજે ખૂબ કામ છે, આજે બહારગામ જવાનું છે, આજે ઘરે મિત્રો આવવાના છે, આજે ટીવી પર ક્રિકેટ મેચ જોવાની છે વગેરે વગેરે.. જો આ બધા કારણો પાછળ કલાકોના કલાકો ફાળવી શકતા હોય તો ઈશ્વર ચિંતન માટે 15 મિનિટ ન કાઢી શકાય ?
કેટલાક મિત્રો એવું વિચારે છે કે હું પાપી છું, અધમ છું, મારું મન અપવિત્ર છે, માટે હું ધ્યાન સાધના માટે સુપાત્ર નથી. વાસ્તવમાં ઈશ્ર્વર ચિંતન કરવા માટેનું સૌથી સબળ કારણ આ જ છે. જો મન અપવિત્ર છે તો એને પવિત્ર કરવાની સૌથી તાતી જરૂર છે. જો મન પાપ કરવામાં ભટકે છે, તો એને ખેંચીને ઘ્યાન રૂપી ખીલા સાથે બાંધવું વધારે જરૂરી છે. મનની સરખામણી રંગ કરતા પહેલાના વસ્ત્ર સાથે કરી શકાય. કાપડને જ્યારે રંગ ચઢાવવા માટે આપણે રંગરેજને આપીએ છીએ ત્યારે એ વસ્ત્રને જે રંગમાં નાખશે તે રંગ ચઢશે. મનને પણ સતત વ્યસ્ત રહેવું છે. મનને પણ રંગાવું છે. જો તેને ઈશ્વર ચિંતનના રંગમાં નાખશો તો તે અધ્યાત્મના રંગમાં રંગાઈ જશે. મનને જો વાસનાના વિચારોમાં નાખશો તો તે એ રંગ થી રંગાઈ જશે.