છેલ્લી ઘડીએ પરીક્ષાર્થીઓને જાણ થઈ કે પરીક્ષાનું કેન્દ્ર તો બીજું છે !
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં લેવાતી નેશનલ એલિજીબલ એન્ટરસ ટેસ્ટ (નીટ) રવિવારે યોજાઈ હતી. મોરબીમાં પણ રવિવારે નીટની પરીક્ષા લેવાઈ હતી અને ઉમેદવારો જ્યારે હોલ ટિકિટમાં દર્શાવેલા સ્થળે પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે પરીક્ષાનું સ્થળ એ નહીં, બીજું જ છે જેથી ઉમેદવારોને ભારે દોડાદોડી થઈ પડી હતી અને ત્રણેક કિમી દુર આવેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડ્યું હતું. રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો નીટની પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા.
- Advertisement -
આ પરીક્ષા માટે મોરબીમાં પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આ પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું ત્યારે ઉમેદવારોને આપવામાં આવેલ હોલ ટિકિટમાં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબીનું સરનામું છપાયું હતું પરંતુ પરીક્ષા કેન્દ્ર ખરેખર રાજકોટ રોડ પર આવેલ ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે હતું જેથી ઉમેદવારો હેરાન પરેશાન થઈ ચુક્યા હતા.
સામાન્ય રીતે NEETની પરીક્ષામાં જરૂરી પ્રકિયા માટે સમય લાગતો હોય ઉમેદવારને પરીક્ષા શરૂ થયાના ત્રણેક કલાક પહેલા હાજર રહેવાનું હોય છે જોકે ઉમેદવારને હોલ ટિકિટમાં જે સરનામું આપવામાં આવ્યું હતું તે સ્થળના બદલે શહેરથી ત્રણેક કિમી દૂર આવેલ રાજકોટ રોડ પર ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ હોવાની ઉમેદવારને જાણ થઈ હતી જેના પગલે દોડાદોડી થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો.