લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ સાથે કનેક્શનની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.4
- Advertisement -
કેનેડામાં થયેલી ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા મામલે સ્થાનિક પોલીસે શુક્રવારે (3 મે) ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની ઓળખ કરણપ્રીત સિંઘ (28), કમલપ્રીત સિંઘ (22) અને કરણ બ્રાર (22) તરીકે થઈ છે. કેનેડાની પોલીસે આરોપ લગાવ્યો કે આ ત્રણેય ભારતીય નાગરિકો છે. પોલીસ અનુસાર, આ ત્રણેય છેલ્લાં 3થી 5 વર્ષથી કેનેડાના અલ્બર્ટામાં રહેતા હતા.
છેલ્લા થોડા મહિનાઓથી તેમની ઉપર નજર રાખવામાં આવી હતી અને આખરે હવે પકડી લેવામાં આવ્યા છે. તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હત્યામાં બીજા કોઈની પણ ભૂમિકા છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે તેમ કેનેડાની પોલીસે જણાવ્યું હતું.
કેનેડિયન પોલીસે દાવો કર્યો કે આ ત્રણેયે હત્યા સમયે શૂટર, ડ્રાઇવર અને સ્પોટરની ભૂમિકા ભજવી હોય શકે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે તેઓ અમેરિકાની એજન્સીઓ સાથે પણ સંપર્કમાં છે અને ભવિષ્યમાં વધુ ધરપકડ પણ થઈ શકે તેમ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, તપાસ અહીં પૂર્ણ થતી નથી. અમને ખ્યાલ છે કે હત્યામાં બીજા વ્યકિતઓ પણ સામેલ થઈ શકે છે, જેથી આ તમામને શોધી કાઢીને ધરપકડ કરવામાં આવશે.
- Advertisement -
આ ત્રણેય લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્રણેયનો સંબંધ હરિયાણા અને પંજાબના ક્રિમિનલ સિંડિકેટ સાથે હોવાનું જણાવવામાં આવ્યું છે, જેનું કનેક્શન લોરેન્સ બિશ્નોઈ સાથે છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં બંધ છે. તેની ઉપર ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે જૂન, 2023માં કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા કરી નાખવામાં આવી હતી. તે એક ગુરુદ્વારામાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓએ આવીને ગોળીબાર કર્યો હતો અને જેમાં નિજ્જર માર્યો ગયો હતો. તેને ભારતમાં આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો અને એજન્સીઓ ઘણા સમયથી શોધી રહી હતી. નિજ્જરની હત્યાના મહિનાઓ બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેની હત્યાના આરોપ ભારત પર લગાવી દીધા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ટ્રૂડોએ ભારતની એજન્સીઓ ઉપર નિજ્જરને મારવાનો આરોપ લગાવ્યો, જ્યારે બીજી તરફ ભારત સરકારે પુરાવા માગ્યા હતા, પરંતુ કેનેડાએ હજુ સુધી ભારત સરકારની સંડોવણીના પુરાવા આપ્યા નથી.