જૂનાગઢ જિલ્લામાં 8 ડીસેમ્બરે પલ્સ પોલીયો રસીકરણ અભિયાન યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
આપણો દેશ વર્ષ 2014માં પોલીયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે. ભારત પોલીયો મુક્ત છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલીયો નાબુદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશને પોલીયો મુક્ત બનાવી રાખવા માટે સરકારશ્રી દ્વારા પોલીયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 1,03,750 બાળકોને તા.08/12/2024 ને રવિવારના રાઉન્ડ દરમ્યાન દરેક ગામે પોલિયોના કુલ 766 સ્થાયી બુથ બનાવીને પોલિયોની રસી પીવડાવવામાં આવનાર છે.
- Advertisement -
તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને 22 મોબાઇલ બુથ દ્વારા અને રેલ્વે સ્ટેશનો, એસ.ટી. સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ 39 ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલિયોની રસી પીવડાવવાનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 567-આરોગ્ય કર્મચારી, 626-આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, 1004-આશા કાર્યકર બહેનો તથા 189-અન્ય સ્વયંસેવકો મળી કુલ-2386 કર્મચારીઓની ટીમો બનાવી પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીનું સુપરવિઝન 117-ઝોનલ સુપરવાઇઝશ્રીઓ કરશે અને તમામ કામગીરીનું લાઇઝનીંગ જિલ્લાના વર્ગ-1/2ના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.



