-વર્ષો બાદ સૌથી ખતરનાક હિમ તોફાન: હવાઇ સેવા બંધ
અમેરિકાના કેલિફોર્નિયા રાજયમાં બરફના તોફાને કહેર સર્જયો છે અને અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું છે. લોસ એન્જલસમાં એક લાખથી વધુ ઘરો અને ઇમારતોમાં વિજળી પુરવઠો ખોરવાઇ ગયો છે. બરફના તોફાન અને ભારે વરસાદના કારણે નદીઓ ખતરનાક સ્તરથી ઉંચે વહેવા લાગી છે.
- Advertisement -
વેન્ચુરા કાઉન્ટીમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાતા પૂર પરિસ્થિતિ ઉભી થઇ છે અને આસપાસના ભાગોમાં પણ હિમવર્ષા નોંધાઇ છે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસના રીપોર્ટ પ્રમાણે દક્ષિણ-પશ્ચીમ કેલિફોર્નિયામાં અત્યાર સુધીના સૌથી ખતરનાક વાવાઝોડા પૈકીનું આ એક છે. વરસાદ અને પવનનું જોર ધીમુ હોવા છતાં વ્યાપક પ્રભાવ પડયો છે. વેસ્ટર્ન રીજીયોનલ કલાઇમેટ સેન્ટરના ડો.ડેન મૈકએવોઇએ જણાવ્યું કે લાંબા વખતથી દક્ષિણ કેલિફોર્નિયામાં આ પ્રકારનું તોફાન જોવા મળ્યું નથી. સોમવારે વધુ એક આ પ્રકારનું તોફાન આવવાની ચેતવણી આપવામાં આવી છે.
રવિવારે આંશિક રાહત હતી. રવિવારથી બુધવાર સુધી લોકોને પ્રવાસ નહીં કરવા અને શકય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. હિમવર્ષા અને પૂરસંકટ વચ્ચે હાડ થિજાવતી ઠંડી પડી રહી છે જેને પગલે યોસેમાઇક નેશનલ પાર્ક બુધવાર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. લોપ્રેસર સિસ્ટમના કારણે ઉતર-પશ્ચીમી ટેરીજોનામાં દક્ષિણી મેવાદામાં ભારે વરસાદ અને હિમસ્ખલન થવાની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણી કેલિફોર્નિયાના મોટા ભાગના ક્ષેત્રોમાં વિમાની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.