પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ અને કશ્યપ શુક્લ સહિત બ્રહ્મસમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હિન્દુ નૂતન વર્ષની પૂર્વસંધ્યાએ તા. 15/10/2025, બુધવારના રોજ હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક ખાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા કેલેન્ડર વિમોચન વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સંવાદ અને સેવા ભાવના મજબૂત બને તે હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના અગ્રણીઓ અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- Advertisement -
સમિતિના સંસ્થાપક અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કચ્છના પ્રભારી અને સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના ટ્રસ્ટી કશ્યપભાઈ શુક્લ, સત્તર તાલુકા ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના મહામંત્રી પરાગભાઇ ભટ્ટ સહિત વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓના હસ્તે કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
નીતિનભાઈ ભારદ્વાજે પોતાના વક્તવ્યમાં સમિતિ દ્વારા વર્ષ દરમિયાન યોજાતા ગણેશ મહોત્સવ, આરોગ્ય કેમ્પ, જીવનસાથી પરિચય સંમેલન સહિતની અનેક સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જ્યારે કશ્યપભાઈ શુક્લે સમાજમાં એકતા અને પરસ્પર સહકાર પર ભાર મૂક્યો હતો.
આ કેલેન્ડરમાં હિન્દુ તિથિઓ, તહેવારો અને દેવી-દેવતાઓના સુંદર ચિત્રો સાથેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સંસ્થાપક તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કેલેન્ડર દરેક ઘર સુધી પહોંચે તે માટે વોડે વાઇસ ટીમો બનાવીને માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ વ્યાસ, મયુરભાઈ વોરા, વિશાલ આહ્યા સહિતના સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.



