PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી મફત અપાશે
1 કરોડ ઘરોને રૂ. 78000 કરોડ સુધીની સબસિડી
- Advertisement -
ખરીફ મોસમ માટે વિવિધ ખાતર પર રૂ. 24,420 કરોડની સબસિડીને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે કેબિનેટની એક બેઠકમાં એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી અને સોલાર પ્લાન્ટ્સના ઈન્સ્ટોલેશન માટે રૂ. 78,000 કરોડ સુધીની સબસિડી પૂરી પાડવા માટે રૂ. 75,021 કરોડની રૂફટોપ સોલાર યોજનાને મંજૂરી આપી દીધી છે. વધુમાં કેબિનેટે ભારતનું પોતાનું સેમીક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું સાકાર કરવા માટે 3 પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં બે પ્રોજેક્ટ ટાટા ગ્રૂપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનની કંપનીનો છે. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું કે, ગુજરાતના ધોલેરામાં એક સેમીક્ધડક્ટર પ્લાન્ટ બનશે. સેમીક્ધડક્ટરના ત્રણ પ્રોજેક્ટમાં કુલ રૂ. 1.26 લાખ કરોડનું રોકાણ કરાશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટમાં ગુરુવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી અપાઈ છે. આ યોજના હેઠળ એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવાની સાથે વાર્ષિક રૂ. 15,000ની બચત થશે. પીએમ મોદીએ 13 ફેબુ્રઆરીએ આ યોજના લોન્ચ કરી હતી, જેમાં દરેક પરિવાર માટે બે કિલોવોટ સુધીની રૂફ ટોપ સોલાર પ્લાન્ટનો ખર્ચ રૂ. 1,45,000 થશે, જેમાં સરકાર રૂ. 78,000 સબસિડી આપશે.
આ અંગે નેશનલ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ઘરોના માલિક તેના પર વેન્ડરની પસંદગી કરી શકશે. આ માટે સરળ હપ્તામાં બેન્ક પાસેથી લોન પણ મળશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દરેક ગામમાં મોડેલ સોલાર વીલેજ બનાવાશે. કેબિનેટે રૂ. 75,021 કરોડના કુલ ખર્ચ સાથે એક કરોડ ઘરોમાં છત પર સૌર ઊર્જા પેનલ સ્થાપિત કરવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 1 કિલોવોટ સિસ્ટમ માટે રૂ. 30,000ની સબસિડી, 2 કિલોવોટ સિસ્ટમ માટે રૂ. 60,000 સબસિડી, 3 કિલોવોટ અથવા તેનાથી વધુ ક્ષમતાવાળી સિસ્ટમ માટે રૂ. 78,000ની સબસિડી અપાશે.
વધુમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ સોલર રૂફટોપ યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારની બધી જ ઓફિસો પર સોલાર પેનલ લગાવાશે.
ગ્રામીણ ક્ષેત્રોમાં રૂફટોપ સોલારને અપનાવવા માટે રોલ મોડેલ તરીકે કામ કરવા દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ વિકસિત કરાશે. તેના હેઠળ ડિસ્કોમને બાકીની વીજળીના વેચાણ મારફત પરિવાર વધારાની આવક મેળવી શકશે. રહેણાંક ક્ષેત્રોમાં રૂફટોપ સોલારના માધ્યમથી 30 ગીગાવોટ સૌર ક્ષમતામાં વધારો થશે. આ નિર્ણયથી સોલાર પેનલના ઉત્પાદન, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઈન, વેચાણ, ઈન્સ્ટોલેશન, ઓએન્ડએમ તથા અન્ય સેવાઓમાં પ્રત્યક્ષ 17 લાખ રોજગારીનું સર્જન થવાનો અંદાજ છે.