જસદણ-વીંછિયામાં વિચરતી જતી જાતિના લોકોને પ્લોટ ફાળવણીની ધીમી કામગીરીથી બાવળિયા નારાજ
વીંછિયા તાલુકામાં 547 પ્લોટની સામે માત્ર 143 પ્લોટ જ્યારે જસદણ તાલુકામાં 370 પ્લોટની સામે માત્ર 114 પ્લોટની ફાળવણી કરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં જસદણ અને વીંછિયા પંથકમાં અધિકારીઓની ધીમી કામગીરી પર મંત્રી કુંવરજી બાવળિયા નારાજ થયા છે. વિચરતી જતી જાતિના લોકોને પ્લોટ ફાળવણીની કામગીરી ધીમી ચાલી રહી હોવાની રજુઆત મંત્રી દ્વારા કરવામાં આવી છે. કુંવરજી બાવળિયાએ પ્રાંત અધિકારીને પત્ર લખી તમામ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા તાકિદ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ હાલ વીંછિયા તાલુકામાં 547 પ્લોટની સામે માત્ર 143 પ્લોટની ફાળવણી કરી છે, જ્યારે જસદણ તાલુકામાં 370માંથી 114 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રાંત અધિકારીને પત્ર લખી રજુઆત કરી છે કે, મારા વિધાનસભા મતવિસ્તાર જસદણ અને વીંછિયા તાલુકામાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને 100 ચોરસ વારના પ્લોટ ફાળવવા બાબતે ગામતળ નીમ કરવા સહિતના પ્રકરણો લાંબા સમયથી ચાલુ છે, જેનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. જુદી જુદી કચેરીઓના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવાની થતી કામગીરીઓ સમયસર થતી નથી. જેના કારણે યોજનાકીય કામગીરીનો હાર્દ પૂર્ણ થઈ શક્યો નથી. આ સાથે પત્રમાં જણાવેલ વિગતો ધ્યાને લેતા આપવામાં આવેલ રીમાકર્સમાં હદ નિશાન બાકી, નવી અરજી તપાસમાં બાકી, માપણી કરવા તથા કબ્જો સોંપવા પર બાકી, દબાણ સહિતના પ્રશ્નોના કારણે આર્થિક નબળી સ્થિતિના લોકોને 100 ચોરસ વાર કે વેચાણથી પ્લોટ મળી શક્યા નથી જે ગંભીર બાબત છે.
જેથી તાલુકાઓમાં પ્લોટની ફાળવણી વહેલી તકે થાય તે માટે બાકી રહેતી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા આપની કક્ષાથી તાકીદની સુચનાઓ કરશો. આગામી તા.15.07.2023ની સંકલનની બેઠકમાં આ કામગીરી સાથે સંકળાયેલા તમામ કચેરીઓના જવાબદાર અધિકારીઓ છેલ્લી સ્થિતિની વિગતો સાથે હાજર રહે તેવી સૂચના કરશો એવું જણાવાયું છે.