આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ સહિત 5 જિલ્લામાં અતિવૃષ્ટીની બાકી સહાય બાબતે થશે ચર્ચા
આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની સમીક્ષા થશે. રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે પણ આજની બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાય છે.
- Advertisement -
પથ્થરમારાની ઘટનાની ચર્ચા કરાશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં જૂનાગઢ, ગીર સોમનાથ સહિત 5 જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિની બાકી સહાય અંગે પણ ચર્ચા થશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી અંગે પણ રાજ્ય સરકારના મંત્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વારંવાર બની રહેલી પથ્થરમારાની ઘટનાઓને લઈને પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ક્લોરેક્સ ફ્યુચરના વાયરલ વીડિયો અંગે કરાશે ચર્ચા
આ સાથે જ આજની કેબિનેટની બેઠકમાં અમદાવાદની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને નમાજ અદા કરવાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, અમદાવાદની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલનો બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. VHP, બજરંગદળ સહિતના સંગઠનો આ મામલે વિરોધ કરી રહ્યા છે અને પ્રિન્સપાલના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ સાથે વાલીઓમાં આ મામલે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગતરોજ ABVPના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને ક્લાસરૂમની બહાર કાઢી માર મારવામાં આવ્યો હતો.
મેચ દરમિયાન સુરક્ષાને લઈને કરાશે સમીક્ષા
ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટની બેઠકમાં આગામી 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડકપની પ્રથમ મેચ અને આગામી મેચોમાં દર્શકોની સુરક્ષાને લઈને સમીક્ષા થશે. નોંધનીય છે કે, અમદાવાદ ખાતે 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવા જઈ રહી છે. જ્યારે 14 ઓક્ટોબર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ ઉપરાંત 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે, 10 નવેમ્બરે અફઘાનિસ્તાન અને દ.આફ્રિકા વચ્ચે મેચ રમાશે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.