આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર, વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને ચર્ચા કરાશે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેતીમાં થયેલા નુકસાનના વળતરને લઈને પણ ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે એટલે બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે મંગળવારે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે.
- Advertisement -
વાયબ્રન્ટ ગુજરાત અંગે પણ ચર્ચા
મળતી માહિતી અનુસાર, આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા વાવેતરની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતમાં કરાશે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
સામાન્ય રીતે દર બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવારે એટલે કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવવાનો સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી સોનગઢના ગુણસરા ખાતે હાજર રહેશે
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
- Advertisement -
મંત્રીઓ તાલુકા કક્ષાની ઉજવણીમાં રહેશે હાજર
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવશે, તેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ તાલુકા કક્ષાની ઉજવણીમાં હાજર રહેશે, સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને દંડક પણ વિવિધ તાલુકાઓની ઉજવણીમાં ભાગ લેશે. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે.