મુખ્યમંત્રી દિલ્હીથી પરત ફર્યા, આજે રાત સુધીમાં મંત્રીઓની યાદી તૈયાર કરી દેવાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદી સાથે મેરેથોન બેઠક કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ ત્રણેય નેતાને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. આજે સવારે ત્રણેય નેતા પરત આવી ગયા બાદ એક વાત નિશ્ર્ચિત મનાઈ રહી છે કે હવે 16મીના રોજ, એટલે કે અગિયારસના પવિત્ર દિવસ જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. આમ છતાં હાલના વિધાનસભાના સ્પીકર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીના મુદ્દે હજુ કેટલીક બાબત અવઢવ હોવાની ચર્ચા છે. આજ રાત સુધીમાં મંત્રીમંડળની ફાઈનલ યાદીને તૈયાર કરી દેવાશે.
મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજી પટેલનું પત્તું કપાવાની ચર્ચા છે. આજે રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા ગોધરા આવેલા કૃષિમંત્રીને જ્યારે વિસ્તરણને લઈ સવાલ કરાયો તો તેમણે કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું.
મંત્રીમંડળમાંથી કયા મંત્રીની હકાલપટ્ટી કરવી અને કોને એન્ટ્રી આપવી એનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરતા હોય છે, પરંતુ એવી અટકળો થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનોની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે, જેમાં ગોપાલ ઈટાલિયાને પણ ખાસ ધ્યાનમાં રખાશે. સક્ષમ અને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક અપાશે.
મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળવાની શક્યતા
રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે.
ક્યા મંત્રી પડતા મુકાઈ શકે છે?
- Advertisement -
કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુભાઈ બહેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, ઉપરાંત રાજ્યકક્ષાના જે મંત્રીઓ પડતા મુકાવાની શક્યાતા છે એમાં મત્સ્ય અને પશુપાલના મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.
ક્યા નવા ચહેરાનો સમાવેશ થવાની શક્યતા?
પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના ધારસભ્ય અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી, અમરેલીના ધારસભ્ય મહેશ કશવાલા અથવા તો ધારાસભ્ય કૌશિક વેકરિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં ધર્મપત્ની અને જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય સંદીપ દેસાઈ, સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી. જે. ચાવડાને મંત્રીપદ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે.