મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ મંત્રીમંડળને લઈને કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે, પણ હજૂ સુધી ઠોસ વિગતો આવી નથી, જો કે હવે સૂત્રો દ્વારા એક મહત્વની માહિતી મળી છે.
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાની વચ્ચે એક મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ છે. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ આવતીકાલે થઈ શકે છે. આ મંત્રીમંડળમાં 20થી વધારે મંત્રી શપથ લઈ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાનું આગામી સત્ર 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી થવાની સંભાવના છે, કારણ કે, 19 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર છે.
- Advertisement -
આ અગાઉ સમાચાર આવ્યા હતા કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે 15 ઓગસ્ટ પહેલા લગભગ 15 મંત્રીઓને સામેલ કરીને પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. દેવેન્દ્ર ફડણવીસ વારંવાર પત્રકારોના પૂછવા પર કહ્યું કે, આપ જે વિચારી રહ્યા છો, તેના કરતા વહેલા મંત્રીમંડળ વિસ્તરણ થશે. તો વળી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, સરકારનું કામ કોઈ પણ રીતે પ્રભાવિત થયું નથી. તેમણે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી અને ખુદ પોતે હાલમાં સરકારના નિર્ણયો લઈ રહ્યા છે.
30 જૂને શિંદે અને ફડણવીસે લીધા હતા શપથ
આપને જણાવી દઈએ કે, શિંદેએ શિવસેના સાથે બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ 30 જૂને એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા. ત્યારથી આ બંને કેબિનેટ તરીકે કામ કરી રહ્યા છે.