ભારત-પાકિસ્તાન તણાવને કારણે CA પરીક્ષાઓ સ્થગિત
9 થી 14 મે દરમિયાન યોજાવાની હતી
- Advertisement -
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ ગુરુવારે (8 મે, 2025) રાત્રે જાહેરાત કરી હતી કે 9 અને 14 મેના રોજ યોજાનાર ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ સ્તરના લાયકાત માટેના બાકીના પેપર્સ મુલતવી રાખવામાં આવ્યા છે. ICAI એ માહિતી આપી હતી કે આ અગત્યનું પગલું દેશમાં તણાવભરી અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યું છે. નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. જેથી ઉમેદવારોને સંસ્થાની વેબસાઈટ – icai.orgના સંપર્કમાં રહેવા સૂચિત કરવામાં આવેલ છે. ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના સંચાલનનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થાએ વધુમાં માહિતી આપી હતી કે પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ પરીક્ષાઓ (આંતરરાષ્ટ્રીય કરવેરા – મૂલ્યાંકન પરીક્ષણ), અથવા INTT AT પણ સ્થગિત રાખવામાં આવી છે. પરીક્ષા સાથે જોડાયેલ કોઈપણ સવાલ કે જાણકારી માટે ICAIના હેલ્પલાઇન નંબર અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકાશે.
ICAI દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, 1.58 લાખ વિદ્યાર્થીઓ મે મહિનામાં યોજાનારી ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓમાં હાજર રહેવાના હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.