2024ની લોકસભા ચૂંટણી પહેલાંના વિધાનસભાની પેટાચૂંટણીના ટ્રેન્ડથી વિપક્ષ બેકફૂટ પર
શિવસેના, ટીઆરએસ, રાજદ 1-1 બેઠક જીત્યા, હરિયાણાની આદમપુર બેઠક પર ’આપ’ની જમાનત પણ જપ્ત થઈ : કોંગ્રેસનું નામોનિશાન નહીં
- Advertisement -
દેશના અલગ અલગ છ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં કુલ સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ચાર બેઠકો પર વિજય મેળવીને પ્રભુત્વ જાળવી રાખ્યું છે. શિવસેના, રાજદ અને ટીઆરએસના ખાતામાં એક-એક બેઠકો આવી છે જ્યારે કોંગ્રેસનું ક્યાંય નામો નિશાન દેખાયું નહોતું. ગુજરાતમાં સત્તા પર આવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીની હરિયાણામાં આદમપુર બેઠક પર જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી.
2024ની લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં અલગ અલગ દિશામાં છ રાજ્યોમાં વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ સાત બેઠકોમાંથી ચાર પર ભાજપે કબજો કર્યો છે. આ પેટાચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય સફળતાને વિપક્ષ માટે ફટકા સમાન જોવામાં આવે છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખિરી જિલ્લામાં કે જ્યાં ભાજપના કેન્દ્રીય મંત્રી અજય ટેનીના પુત્રે ખેડૂત આંદોલન સમયે આઠ ખેડૂતો પર કાર ચઢાવી દઈને ચાર ખેડૂતો, ચાર પત્રકારોના મોત નીપજાવ્યા હતા તે જિલ્લાની ગોલા ગોકર્ણનાથ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અમન ગિરિએ 34,000 કરતાં વધુ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ બેઠક અમન ગિરિના પિતા અરવિંદ ગિરિના નિધનના કારણે ખાલી પડી હતી. આ પેટા ચૂંટણીમાં બસપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા નહોતા. તેથી ભાજપના અમન ગિરિ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તિવારી વચ્ચે સીધી સ્પર્ધા હતી. ભાજપે સપાને પછાડીને આ બેઠક પોતાની પાસે જાળવી રાખી છે.