રાજકોટ – સુરેન્દ્રનગર રૂટની 2 જુદા ડેપોના બસના ભાડામાં ફેર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની એક્સપ્રેસ બસમાં જુદું જુદું ભાડું લેવામાં આવતા મુસાફરોમાં કચવાટ ફેલાયો છે. આવી જ 2 ટિકિટો પણ ધ્યાનમાં આવી હતી. જેના દ્વારા અલગ અલગ ભાડું વસૂલવામાં આવતું હોવાનું સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે. ત્યારે ચોખ્ખા વહીવટની વાતો કરતી સરકાર આ વિસંગતતા દૂર કરી મુસાફરોના હિતમાં નિર્ણય લે તેવી માંગ ઊઠી છે. સરકાર દ્વારા એસટી બસોની સુવિધા હમણાં હમણાં સતત વધારવામાં આવી રહી છે. નવી બસોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તો આ બધા વચ્ચે પારદર્શક વહીવટની વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની બસોમાં આ પારદર્શક વહીવટની વાતો પોકળ હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. આ રૂટની 2 અલગ અલગ ડેપોની એક્સપ્રેસ બસની ટિકિટ સામે આવી છે. બંને ટિકિટો એક જ દિવસની છે. જેમાં બંનેમાં એક સરખા કિમી દર્શાવેલ છે. પરંતુ ભાડામાં તફાવત જોવા મળી રહ્યો છે. તા.8-2-25ની રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની 2 એક્સપ્રેસ બસમાં 109 કિમીની મુસાફરી દર્શાવવામાં આવેલી છે. પરંતુ સુરેન્દ્રનગર ડેપોની બસમાં આ રૂટનું ભાડું રૂ.111 છે, તો પાટણ ડેપોની બસમાં ભાડું રૂ.119 છે. આમ, એક જ રૂટ પણ ભાડા જુદા જુદાથી મુસાફરો લૂંટાતા હોય તેવો અહેસાસ મુસાફરોને થઈ રહ્યો છે. ત્યારે આ વિસંગતતા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.