પરેશ રાજગોર
ગોંડલના સફળ, લોકપ્રિય અને પ્રગતિશીલ એવા સર ભગવતસિંહજી લોકશાહીના સમર્થક નહોતા અને વળી એવામાં રાજકોટમાં ગાંધીજીનો સત્યાગ્રહ સફળ ન થતા ગાંધીજીનો અહીંના રજવાડાઓ તરફનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયેલો
- Advertisement -
જૂનાગઢના નવાબ પોતાના શ્વાનપ્રેમ માટે દેશમાં ભરપૂર વગોવાયેલા પરંતુ વિશ્વમાં એ વાતે વખણાયેલા!! જે પાછળથી પાકિસ્તાન ગયાં ત્યારે કૂતરા તો ઠીક તેના ડોક્ટરને પણ સાથે લઈ ગયા હતા
ઈન્ટરનેટના આ યુગમાં જ્યાં મોટાભાગના કોઈપણ ઉંમરના લોકો જેને બધું રેડી ટુ ઇટ, રેડી ટુ વેર…રેડી..રેડી જ જોઈએ. એક જગ્યાએ કલાકો બેસી શકે પરંતુ માત્ર મોબાઈલમાં. અભ્યાસ માટે પણ નહીં તો પછી વાંચનશોખની તો વાત જ શી કરવી અને આવા માહોલમાં 432 પાનાંનો દળદાર ગ્રંથ પ્રગટ કરવો એ પણ ઇતિહાસનો એ ખરેખર હિંમતપૂર્ણ કાર્ય કહેવાય અને એ કર્યું છે સત્યાશી વર્ષની ઉંમરે, નવીનભાઈ મહેતાએ જેઓ નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટના માલિક છે અને આ પુસ્તકના પ્રકાશક!! આ ઉંમરે સાયકલ ઉપર દુકાને આવનાર અને અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવનાર શ્રી નવીનભાઈએ આ પુસ્તકના લેખોના પ્રુફ ચેક કર્યા છે. નહિ મોબાઈલ…અને નહિ કોમ્પ્યુટર..હિસાબકિતાબ ના ચોપડા પોતે જ લખે અને પુસ્તકોના પાર્સલ પણ જાતે જ બાંધે. આવા મહેનતકશ વ્યક્તિના પ્રતાપે ગુજરાતી સાહિત્ય જગતને આવું પુસ્તક મળ્યું એ બદલ એમને ધન્યવાદ અને લેખકશ્રી પ્રદ્યુમ્ન ખાચરે ગુજરાતના કણેકણ માંથી ઇતિહાસ ખેંચી કાઢીને આ પુસ્તકના પાને પ્રજા સમક્ષ પીરસી દીધો તેમને પણ ધન્યવાદ.
આ પુસ્તકમાં તેઓએ ઇતિહાસના વિવિધ વિષયોને આવરી લીધા છે. 194 પ્રકરણમાં બ્રિટિશકાળ દરમિયાનનું ગુજરાત, કાઠિયાવાડના રજવાડા, સૌરાષ્ટ્ર સરકાર, રજવાડાના કાયદાઓ, વ્યક્તિ વિશેષો, રજવાડાની જીવનશૈલી, અનેક જ્ઞાતિઓનું સમાજ જીવન, ખેતી અને પશુપાલન, વિવિધ રિવાજો, ગૌપ્રેમ, સંસ્થાઓ, સ્થાપત્યો, આફત કે રોગચાળા સમયે રજવાડાઓની ભૂમિકા, વિવિધ મંદિરો, રાજકુમારો, રૂડાં રાજવીઓ વિગેરે વિશે રસપૂર્ણ શૈલીમાં લખાયું છે.
સાંપ્રત સમયે પણ આ બધું સાવ અપ્રસ્તુત નથી જ એ પુસ્તક વાંચતા જ સમજી શકાય. પ્રજાના કલ્યાણ હેતુ વર્તમાન સમયે દરેક રાજકારણીઓએ માર્ગદર્શન હેતુ આ વાંચવું જોઈએ.
- Advertisement -
પ્રાથમિક શાળાથી લઈ કોલેજ સુધીના ઇતિહાસક્રમમાં બહુ ટૂંકા સમયથી આઝાદીની લડતમાં કાઠિયાવાડનો આછેરો ઉલ્લેખ જોવા મળ્યો પણ આ પુસ્તક સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાઠિયાવાડના રજવાડા અને પ્રજા તથા સમાચારપત્રો, સામયિકો, સંતો, ક્ષત્રિયો, વિવિધ પ્રજા અને સ્ત્રીઓના પ્રદાન ઉપર પુષ્કળ પ્રકાશ પાડ્યો છે જે ગુજરાતની પ્રજાએ પોતાના ગૌરવ માટે વાંચવું જોઈએ.
પ્રથમ વિશ્વયુદ્ધમાં કાઠિયાવાડના રજવાડાઓનો ફાળો, ગાંધીજીના પૂર્વજો, સમાચારપત્રો અને સામયિકોમાં નોંધાયેલ વિવિધ બનાવો, આઝાદી સમયની ભાગલા પરિસ્થિતિનું કાઠિયાવાડ, જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ, નવાબનું જૂનાગઢથી પાકિસ્તાન પ્રયાણ, સ્ત્રીઓની પરિસ્થિતિ, એભલ વાળા ત્રીજાએ કરાવેલ સમૂહલગ્ન, સો વર્ષ પહેલાનું રબારી સમાજનું બંધારણ, હોટલના કાયદા, સ્પેશ્યલ ટ્રેન, કોલેરા અને હડકવાની રસી, અસ્પૃશ્યતા નિવારણ અને દલિતોધ્ધારના પ્રયત્નો, અનેક ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, કુંડો, મંદિરોના સંપૂર્ણ ઇતિહાસથી છલોછલ પુસ્તક એટલે ડો. પ્રદ્યુમ્ન ખાચરનું પુસ્તક ’ઇતિહાસની અટારીએથી’ અચૂક વાંચજો.